Indigo Flight Manchester Delhi U-turn: ઇન્ડિગોની એક ફ્લાઇટ 13 કલાક સુધી હવામાં ઉડતી રહી અને આખરે થાકી હારીને યુ-ટર્ન લઈને પાછી દિલ્હી પરત ફરી. દરેક વ્યક્તિ આશ્ચર્યમાં છે કે આખરે હવામાં એવું તે શું થયું કે ફ્લાઇટને ઉડવા માટે જગ્યા ન મળી. સોમવારે ઇન્ડિગોની દિલ્હીથી માન્ચેસ્ટર જતી ફ્લાઇટ ‘કોલ સાઇન’ (Call Sign) ને લઈને થયેલી મૂંઝવણને કારણે લગભગ 13 કલાકના પ્રવાસ બાદ આફ્રિકા ઉપરથી યુ-ટર્ન લઈને પાછી દિલ્હી પરત આવી.
માહિતી મુજબ, આ ફ્લાઇટ રાત્રે 1:14 વાગ્યે દિલ્હીથી રવાના થઈ હતી અને લાંબો ચકરાવો લેતા આફ્રિકા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ઇરિટ્રિયા એરસ્પેસ (Eritrea Airspace) માં પ્રવેશતી વખતે એર ટ્રાફિક કંટ્રોલમાં કોલ સાઇન અંગે ભ્રમની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વિમાનને પરત ફરવું પડ્યું હતું. વિમાન બપોરે 2:22 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
એર ટ્રાફિક કંટ્રોલમાં કન્ફ્યુઝન
જણાવવામાં આવ્યું છે કે આ વિમાન નોર્સ એટલાન્ટિકનું વેટ-લીઝ્ડ બોઈંગ 787 (Wet-leased Boeing 787) હતું, જેને નોર્સ એટલાન્ટિક એરવેઝ તેના ઓપરેટિંગ ક્રૂ સાથે ચલાવી રહ્યું હતું. એરક્રાફ્ટને ઉડાન માટે તમામ જરૂરી એનરૂટ ક્લિયરન્સ મળી ચૂક્યા હતા, પરંતુ ઇન્ડિગોના કોલ સાઇન ‘iFly’ (ઇન્ડિગો કોડ) સાથે ઇરિટ્રિયા એરસ્પેસમાં પ્રવેશની પરવાનગી માંગતા એર ટ્રાફિક કંટ્રોલમાં મુંઝવણ પેદા થઈ હતી.
નોર્સ એટલાન્ટિક યુરોપિયન યુનિયન સાથે જોડાયેલું કેરિયર હોવાથી યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) ની માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યું છે:
કોન્ફ્લિક્ટ ઝોન બુલેટિન: EASA ની સલાહ મુજબ, એરલાઇન્સને બહેરીન, ઈરાન, ઈરાક, ઈઝરાયેલ, જોર્ડન, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર, UAE અને સાઉદી અરેબિયાના એરસ્પેસથી બચવાની સૂચના આપવામાં આવી છે.
લાંબો રૂટ: આ કારણોસર, આ વિમાન વેસ્ટ એશિયાના એરસ્પેસ થી બચતા આફ્રિકા ઉપરથી લાંબો રૂટ લઈને યુરોપ જાય છે અને પરત ફરતી વખતે પણ આ જ રસ્તો અપનાવે છે.
પડકારો: જોકે આ લાંબો રૂટ ઘણીવાર ઓપરેશનલ પડકારો પણ ઊભા કરી રહ્યો છે. રવિવારે પણ ઇન્ડિગોની લંડનથી મુંબઈ જતી ફ્લાઇટને કૈરો (Cairo) ડાયવર્ટ કરવી પડી હતી.

