ISRO Chandrayaan 4 Mission: ચંદ્રયાન-1થી ચંદ્રયાન-4 સુધી ભારતની ઐતિહાસિક સફર, ચંદ્ર પર પાણીની શોધથી હવે ધરતી પર નમૂના લાવવાની તૈયારી

Arati Parmar
5 Min Read

22 ઑક્ટોબર 2008ના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી ISRO એ પોતાનું પ્રથમ ચંદ્રયાન રવાના કર્યું હતું. તે સમયે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ મિશન ભારતના અવકાશ કાર્યક્રમોની દિશા બદલી નાખશે. ભારતના આ પ્રથમ ચંદ્ર મિશને જ ચંદ્ર પર પાણીના અણુઓના પુરાવા શોધ્યા હતા, જેને NASA એ પણ સ્વીકાર્યા હતા. ત્યારબાદ ચંદ્રયાન-2 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવને સમજવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ચંદ્ર પર ઉતરી શક્યું નહોતું. આ કાર્ય ચંદ્રયાન-3 એ પૂર્ણ કર્યું હતું અને તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ મિશન બન્યું હતું. હવે ભારત ચંદ્રયાન-4ની તૈયારી જોરશોરથી કરી રહ્યું છે.

ચંદ્રયાન-1: ભારતના પ્રથમ ચંદ્ર મિશનની શરૂઆત

ભારતના ચંદ્ર મિશનની જાહેરાત તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 15 ઑગસ્ટ 2003ના રોજ કરી હતી. 22 ઑક્ટોબર 2008ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ PSLV-C11 રોકેટની મદદથી ચંદ્રયાન-1નું પ્રક્ષેપણ કર્યું હતું. આ મિશનમાં ભારત અને અન્ય દેશોનાં કુલ 11 વૈજ્ઞાનિક ઉપકરણો સામેલ હતાં. તેમની મદદથી ચંદ્રની સપાટીનો નકશો તૈયાર કરવો, ખનિજોની ઓળખ કરવી અને તેની રચનાનો અભ્યાસ કરવાનો હતો. આ મિશનને બે વર્ષ સુધી કાર્યરત રહેવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે, 2009માં જ તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતાં, ત્યાં સુધીમાં આ મિશન અનેક મહત્ત્વપૂર્ણ શોધો કરી ચૂક્યું હતું.

- Advertisement -

ચંદ્રયાન-2: ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનો પ્રયાસ

ચંદ્રયાન-1ની સફળતા પછી ISRO એ 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ કર્યું. આ મિશનનું લક્ષ્ય અગાઉ કરતાં વધુ મહત્ત્વાકાંક્ષી હતું. તેમાં ઑર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સામેલ હતાં. તેનો ઉદ્દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારનો અભ્યાસ કરવાનો અને ત્યાં ઉતરીને સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગો કરવાનો હતો. 20 ઑગસ્ટ 2019ના રોજ ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડર ઑર્બિટરથી અલગ થયું હતું. પરંતુ ચંદ્ર પર ઉતરતાં પહેલાં જ સંપર્ક તૂટી ગયો અને ક્રેશ લેન્ડિંગ થયું. જોકે, ISRO એ મિશન શા માટે નિષ્ફળ ગયું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ જ સંશોધને ચંદ્રયાન-3ની સફળતાનો પાયો નાખ્યો.

ચંદ્રયાન-3: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સફળ સૉફ્ટ લેન્ડિંગ

ચંદ્રયાન-2ના પડકાર પછી ISRO એ ચંદ્રયાન-3માં સૉફ્ટ લેન્ડિંગની ટેક્નોલોજી સુધારવા પર ધ્યાન આપ્યું. 14 જુલાઈ 2023ના રોજ LVM3 રોકેટથી પ્રક્ષેપિત થયેલું ચંદ્રયાન-3 ત્રણ મુખ્ય ભાગો એટલે કે પ્રોપલ્શન મૉડ્યુલ, વિક્રમ લેન્ડર અને પોતાની સાથે પ્રજ્ઞાન રોવર લઈને ચંદ્ર તરફ રવાના થયું હતું. 23 ઑગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારની નજીક સફળ સૉફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.

- Advertisement -

ચંદ્રયાન-3ની સફળતાથી દુનિયાએ ભારતની ક્ષમતાને સ્વીકારી

ચંદ્રયાન-3ની સફળતાથી દુનિયાએ ભારતની ક્ષમતાને સ્વીકારી. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે પહોંચનાર પ્રથમ દેશ તો બન્યું જ હતું, સાથે જ ચંદ્ર પર સફળતાપૂર્વક પહોંચનાર ચોથો દેશ પણ બન્યો હતો. તે પહેલાં માત્ર અમેરિકા, ચીન અને રશિયા જ આ સિદ્ધિ હાંસલ કરી શક્યાં હતાં. આ મિશનમાં વિક્રમ લેન્ડરની સાથે ગયેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ચાલીને વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા. લેન્ડર અને રોવરે ચંદ્રની સપાટીનું તાપમાન, સ્થાનિક પ્લાઝ્મા, તત્ત્વોની હાજરી અને ભૂકંપીય પ્રવૃત્તિઓ સંબંધિત આંકડા એકત્રિત કર્યા હતા. આ પ્રયોગોથી ચંદ્રના દક્ષિણ ધ્રુવીય વિસ્તારની પરિસ્થિતિઓને સમજવામાં મદદ મળી હતી.

ચંદ્રયાન-4: હવે ચંદ્ર પરથી નમૂના લાવવાની તૈયારી

હવે ISRO ચંદ્રયાન-4 મિશન પર કામ કરી રહ્યું છે. 18 સપ્ટેમ્બર 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશન પડકારજનક એટલા માટે પણ છે, કારણ કે તેમાં માત્ર ચંદ્ર સુધી પહોંચવાનું નથી, પરંતુ ત્યાંથી નમૂનાઓ પાછા લાવવાના પણ છે. સરકારે તેની સમયમર્યાદા 2027 નક્કી કરી છે. જોકે, ગગનયાન મિશનને કારણે તેમાં થોડો વિલંબ થઈ શકે છે.

- Advertisement -

ચંદ્રયાન-4 કેવી રીતે કામ કરશે?

ચંદ્રયાન-4 ચંદ્ર પર ઉતરવાની સાથે ત્યાંથી નમૂનાઓ એકત્રિત કરશે અને ચંદ્રની સપાટી પરથી ઉડાન ભરીને નમૂનાઓ પાછા પૃથ્વી પર લાવશે. આ માટે તેને રોબોટિક આર્મથી સજ્જ કરવામાં આવશે. ચંદ્ર પરથી એકત્રિત કરવામાં આવેલી માટીને એક કન્ટેનરમાં બંધ કરવામાં આવશે. આ મિશનમાં ડૉકિંગ અને અનડૉકિંગ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારત તેનું પરીક્ષણ પહેલેથી જ કરી ચૂક્યું છે.

ચંદ્ર પર માનવ મિશન મોકલવાની પણ તૈયારી

આ મિશન માટે સરકારે 2104.06 કરોડ રૂપિયા ખર્ચવાની મંજૂરી આપી છે. તેમાં અવકાશયાનનો વિકાસ, બે LVM3 પ્રક્ષેપણ, ઊંડા અવકાશમાં સંચાર સહાય અને પરીક્ષણનો સમાવેશ થાય છે. ત્યારબાદ ભારત ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજના પર પણ કામ કરી રહ્યું છે. આ માટે 2050ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

Share This Article