પ્રોટીનથી ભરપૂર છે આ 5 શાકભાજી, ઇંડા ન ખાતા લોકો માટે ઉત્તમ વિકલ્પ
ઇંડા કરતા વધુ પ્રોટીનવાળા અમુક શાકભાજી પણ છે જે મેક્રોન્યુટ્રિઅન્ટ્સ થી ભરપુર છે. તેનું સેવન કરવાથી શરીરને વધારાના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ મળે છે.
શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીનનું સેવનનું જરૂરી છે. પ્રોટીન માટે ઇંડા શ્રેષ્ઠ પસંદગી માનવામાં આવે છે. એક ઇંડું ખાવાથીલગભગ 6 ગ્રામ પ્રોટીન મળે છે. પરંતુ ઈંડા માંસાહારી ભોજન માનવામાં આવે છે, આથી શાકાહારી લોકો ઇંડાનું સેવન કરતા નથી. અલબત્ત એવા અમુક શાકભાજી છે જેમા ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે લોકો જીમ વર્કઆઉટ કરે છે અને ઇંડા ખાતા નથી તેમની માટે આ શાકભાજી પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.
પાલક : Spinach
પાલક પોષક તત્વો અને પ્રોટીનનો એક મહાન સ્રોત છે. એક કપ બાફેલી પાલકમાં લગભગ 5.4 ગ્રામ પ્રોટીન હોય છે. પાલકને રાંધ્યા બાદ બહુ સંકોચાય છે, તેથી તેને સરળતાથી અન્ય કોઇ ચીજમાં મિક્સ કરી સેવન કરી શકાય છે, જે તેને પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંનું એક બનાવે છે. પાલકમાં પ્રોટીન ઉપરાંત આયર્ન, કેલ્શિયમ અને વિટામિન એ, સી અને કે ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો હાડકાના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ અને એકંદર આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
સરગવો : Drumstick
સરગવાના પાંદડા અને સગરવાની ફળી પ્રોટીનથી ભરપૂર હોય છે. 100 ગ્રામ સરગવાના પાનમાં લગભગ 9 ગ્રામ પ્રોટીન હોય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે દક્ષિણ ભારતીય સાંભાર, દાળ શાક અને સ્ટિર ફ્રાઈઝમાં થાય છે. સરગવામાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ, પાચન અને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
બ્રોકોલી : Broccoli
બ્રોકોલીને ઉચ્ચ ફાઇબર અને વિટામિનવાળા પ્રોટીનનો શ્રેષ્ઠ સ્રોત પણ માનવામાં આવે છે. 100 ગ્રામ બ્રોકોલીમાં લગભગ 2.8 ગ્રામ પ્રોટીન હોય છે. એક કપ કાપેલી બાફેલી બ્રોકોલીમાં લગભગ 5.7 ગ્રામ પ્રોટીન મળે છે, જે એક ઇંડાથી પણ વધારે હોય છે. આ ઉપરાંત બ્રોકોલીમાં એન્ટીઓક્સીડેન્ટ, ફોલેટ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે હૃદય અને પાચન માટે ખૂબ ફાયદાકારક છે.
મશરૂમ : Mashroom
મશરૂમમાં પણ ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન હોય છે. 100 ગ્રામ કાચા મશરૂમમાં લગભગ 3.1 ગ્રામ પ્રોટીન હોય છે. બાફેલા મશરૂમમાં પાણી ઓછી થતા તેની માત્રા વધુ થઈ જાય છે. એક કપ રાંધેલા મશરૂમમાં લગભગ 5-7 ગ્રામ પ્રોટીન મળી શકે છે. મશરૂમ વિટામિન બી, સેલેનિયમ અને એન્ટીઓકિસડન્ટોનો પણ એક મહાન સ્રોત છે. તે મગજના આરોગ્યને પ્રોત્સાહન આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
વટાણા : Green Peas
વટાણા પ્રોટીન માટે સારો સ્ત્રોત છે. એક કપ બાફેલા વટાણામાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે, જે એક ઇંડા કરતા ઘણું વધારે છે. 100 ગ્રામ વટાણામાં લગભગ ૫ ગ્રામ પ્રોટીન હોય છે. પ્રોટીન ઉપરાંત વટાણામાં ફાઇબર, વિટામિન કે અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. તે પાચન, હૃદય અને બ્લડ સુગર કંટ્રોલ માટે પણ ખૂબ અસરકારક છે.

