Lucknow Gaming Zone Fire: આગમાં હોમાતા લોકો સામે તંત્રની અક્ષમ્ય લાપરવાહી, કોણ જવાબદાર ?
By : Reena Brahmbhatt
ફરી એકવાર …આગની ભયાનક લપેટો અને લોકોના 15 જેટલા વ્હાલસોયા દર્દનાક ચીસો સાથે આગની જ્વાળામાં લપેટાઈ હંમેશા માટે શાંત થઇ જવા અને સિસ્ટમ માટે આ બનાવ તપાસ સમિતિનો એક હિસ્સો બની ફાઇલોમાં કેદ થઇ જવાની એક નવી ઘટના.પરંતુ તેમની પાછળ આંસુ વહાવનારાઓના દર્દ તો કદાચ આખી જિંદગી તેમને પીડા આપતા રહેશે.લખનૌમાં બનેલી આગની દુર્ઘટનાએ ફરી એકવાર દેશને ઝંઝોળી નાખ્યો છે. આગની જ્વાળાઓમાં માત્ર ઇમારતો કે સંપત્તિ જ ભસ્મીભૂત થતી નથી, પરંતુ તે સાથે જ તંત્રના ખોખલા દાવાઓ, ભ્રષ્ટાચારના તે જ જરીપુરાણો સિલસિલો અને જવાબદારીના અભાવનું પણ ભયાનક ચિત્ર સામે આવે છે. દુર્ભાગ્ય એ છે કે આવી ઘટનાઓ હવે અપવાદ રહી નથી તે આપણા શાસનતંત્રનો એક ભાગ બની ગઈ છે.
દરેક મોટી દુર્ઘટના પછી એક સરખું દૃશ્ય જોવા મળે છે. રાજકીય નેતાઓ શોક વ્યક્ત કરે છે, વળતરની જાહેરાત થાય છે, તપાસ સમિતિઓ રચાય છે અને થોડા દિવસોમાં સમગ્ર મામલો ઠંડો પડી જાય છે. પરંતુ જે પરિવારો પોતાના સ્વજનો ગુમાવે છે, તેમના માટે આ આઘાત ન પુરાય તેવી ખોટ બની જાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ છે કે જ્યારે આગ સલામતી કે ફાયર સેફટી માટે આખા કાયદાઓ બનેલા છે તેના નિયમો કાગળ પર સ્પષ્ટ છે, ત્યારે આવી દુર્ઘટનાઓ વારંવાર કેમ બને છે?
જવાબ સ્પષ્ટ છે – તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર. અનેક ઇમારતો, હોસ્પિટલો, વ્યાપારી સંકુલો અને રહેણાંક યોજનાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે. ફાયર એનઓસી માત્ર એક ઔપચારિકતા બની ગઈ છે. નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ગંભીર તપાસ ભાગ્યે જ થાય છે. જ્યાં તપાસ થવી જોઈએ ત્યાં ઘણીવાર લાંચ અને લાગવગ કામ કરી જાય છે. પરિણામે, કાગળ પર સુરક્ષિત ગણાતી ઇમારતો હકીકતમાં મોતના કૂવા સાબિત થાય છે.
ગુજરાત પણ આ કડવી વાસ્તવિકતાથી અછૂત નથી. રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું હતું. સુરતના તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પણ ડીસા અગ્નિ કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ જેવા અનેક બનાવો સિલસિલાબંધ બનતા રહ્યા છે. દેશભરના મોટાભાગના શહેરોમાં ફાયર સેફ્ટીના નિયમો અંગે વારંવાર પ્રશ્નો ઊભા થયા છે. દરેક ઘટના પછી કડક કાર્યવાહીના દાવા થયા, પરંતુ થોડા સમય બાદ બધું ફરી યથાવત થઈ જાય છે.
વેલ ત્યારે અહીં સૌથી ગંભીર બાબત એ છે કે આપણા દેશમાં જવાબદારી નક્કી કરવાની સંસ્કૃતિ જ વિકસિત થઈ નથી. કોઈ દુર્ઘટના બને ત્યારે નાના કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે, પરંતુ પરવાનગી આપનારા અધિકારીઓ, નિયમોના ઉલ્લંઘન કરનારા મુખ્ય આરોપીઓ સામે આંખ આડા કાન કરનારા જવાબદારો અને ભ્રષ્ટાચારના મૂળ સ્ત્રોત સુધી ભાગ્યે જ પહોંચવામાં આવે છે. પરિણામે, ભૂલો પુનરાવર્તિત થતી રહે છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બને છે.
ત્યારે અહીં મુદ્દો તે જ છે , હવે આવા બનાવો ન બને તે માટે શું કરવું જોઈએ. ત્યારે પાછલા થોડા વર્ષોના આવા બનાવો પર નજર નાખીયે કે, જેમાં વડોદરા હરણી દુર્ઘટના કાંડ પણ સામેલ છે તો હવે તમારા વ્હાલસોયાઓને બચાવવા તમારે જ કદાચ આગળ આવવું પડશે.જવાબદાર નાગરિક બનવું પડશે.જ્યાંપણ જાવ એક જાગૃત નાગરિક બનો, તંત્ર કે સિસ્ટમના આધારે જ ફક્ત ન રહો.
કોચિંગ ક્લાસ કે સ્કૂલમાં બાળકોના એડમિશન કરાવો તો પહેલા ત્યાંનું જાત નિરીક્ષણ કરો.વેન્ટિલેશન, આવવા -જવાના દરવાજા, ફાયર સેફટીના સાધનો તેમ બધું ચકાશી લો. અગર વેન્ટિલેશન અને કન્સ્ટ્રક્શન કન્જસ્ટેડ છે તો તેવી જગ્યાએ એડમિશન ન જ લો.ગમે તેટલા સારા કે ફેમસ કોચિંગ ક્લાસ હોય પરંતુ જિંદગીથી અમૂલ્ય નથી.સીડીઓ પણ જુવો કે કેવી છે ફટાફટ નીકળાય તેવી છે જેવી તમામ બાબતો તપાશો.આ સિવાય ક્યાંય પણ લિફ્ટમાં જાઓ તેનેય કેપેસીટી જુવો, પાણીમાં પણ લાઈફ જેકેટ આપ્યા છે , તે યોગ્ય ક્વોલિટીના છે કે કેમ તે પણ ચકાશો ..આમ હવે જો આવા બનાવોથી બચવું હોય તો એલર્ટ રહો.બાકી તંત્ર પર હવે આંધળો ભરોસો રાખી શકાય તેમ નથી.બહુ થયું.બહુ જીવ ગુમાવ્યા પણ હવે નહીં.
વિકાસના મોટા મોટા દાવા વચ્ચે જો સામાન્ય નાગરિકને પોતાની સુરક્ષાની જ ખાતરી ન હોય તો એવો વિકાસ ખોખલો છે. સ્માર્ટ સિટી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કરોડોના પ્રોજેક્ટો ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે માનવજીવનની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા બને.
લખનૌની ઘટના માત્ર એક શહેરની દુર્ઘટના નથી. તે સમગ્ર દેશના શાસનતંત્ર માટે એક અરીસો છે. જો હવે પણ તંત્ર, રાજકીય નેતૃત્વ અને જવાબદાર સંસ્થાઓ આત્મચિંતન નહીં કરે, તો આવતીકાલે કોઈ અન્ય શહેરમાં, કોઈ અન્ય ઇમારતમાં અને કોઈ અન્ય પરિવાર પર આવી જ દુર્ઘટનાનો કહેર વરસશે.
આગની જ્વાળાઓ બુઝાઈ જાય છે, પરંતુ તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારથી ભડકતી દુર્ઘટનાઓનો સિલસિલો હજુ ચાલુ છે. પ્રશ્ન માત્ર એટલો છે કે ક્યારેક કોઈ જવાબદાર પણ આ જ્વાળાઓની ગરમી અનુભવશે કે નહીં?

