કોલકાતા/ભુવનેશ્વર, તા. 29 : લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણ પહેલાં બુધવારે પશ્ચિમ બંગાળ બાદ ઓરિસ્સા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નવીન પટનાયકની તબિયત પર ચિંતા વ્યક્ત કરી હતી. એક વર્ષથી બગડતી જતી તેમની તબિયત પાછળ કોઇ ષડયંત્ર તો નથીને, તેવું કહેતાં મોદીએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, નવીન બાબુનાં નામ પર પડદા પાછળ ઓરિસ્સામાં સત્તા ભોગવતી લોબીનો હાથ હોઇ શકે છે. નવીન પટનાયકની બગડતી તબિયત પાછળનાં રહસ્ય પરથી પડદો ઊઠાવવો જરૂરી છે.

ઓરિસ્સાનાં લોકોને પણ જાણવાનો અધિકાર છે. એટલે જ 10મી જૂન પછી રાજ્યમાં સત્તા પર આવતાં જ ભાજપની સરકાર એક વિશેષ સમિતિની રચના કરશે. આ સમિતિ અચાનક નવીન બાબુની તબિયત કેમ બગડતી જઇ રહી છે, તેની તપાસ કરશે, તેવું વચન વડાપ્રધાને ચૂંટણીસભા સંબોધતાં આપ્યું હતું. તામિલનાડુમાંથી આવતા બીજેડી નેતા વી.કે. પાંડિયનના દેખીતા સંદર્ભ સાથે મોદીએ જણાવ્યું હતું કે, સમસ્ત ઓરિસ્સા `ઓડિયા’ મુખ્યમંત્રી ઇચ્છે છે. હકીકતમાં પાંડિયન પટનાયકના નીકટના નેતા મનાય છે. પાંડિયન ઓરિસ્સાના મુખ્યમંત્રીના હાથનાં હલનચલન પર પણ નિયંત્રણ રાખે છે, તેવા આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાના આરોપના એક દિવસ બાદ વડાપ્રધાને આવી ટિપ્પણી કરી હતી. હકીકતમાં ઓરિસ્સાના મુખ્યમંત્રી અને બીજૂ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બીજેડી નેતા વી.કે.
પાંડિયન મંચ પર ભાષણ આપતા પટનાયકના ધ્રૂજતા હાથને પકડી લઇને લોકોની નજરોથી છૂપાવવાના પ્રયાસ કરે છે. ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લામાં જાહેરસભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષથી બગડતી નવીન બાબુની તબિયત વિશે મને મળતા તેમના નીકટના લોકો સતત ચર્ચા કરી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ આસામના મુખ્યમંત્રીએ પાંડિયન નવીન પટનાયક પર અંકુશ રાખતા હોવાનો આરોપ મૂક્યો હતો. હિમંતાએ એવો દાવો પણ `એક્સ’ પરથી કર્યો હતો કે, નવીન પટનાયક કોઇ પણ દસ્તાવેજ પર પોતે સહી નથી કરતા. પાંડિયન પટનાયકની ડિજિટલ સહીનો ઉપયોગ કરી રહ્યા છે. દરમ્યાન, દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ વીડિયો અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, એક `તમિળબાબુ’ પડદા પાછળથી ઓરિસ્સામાં સરકાર ચલાવી રહ્યા છે. શું આવું થવું જોઇએ, તેવો સવાલ શાહે ઊઠાવ્યો હતો.

