નવી દિલ્હી, તા.28 : બેંગ્લોરની એક વિશેષ અદાલતના આદેશ બાદ કેન્દ્રીય નાણાંમત્રી નિર્મલા સીતારામન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા અન્યો સામે ચૂંટણી બોન્ડ મામલે બેંગ્લોરના તિલકનગર પોલીસ મથકે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ પહેલાં અદાલતે એક અરજીની સુનાવણી દરમ્યાન એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. નાણાં મંત્રી, નડ્ડા, ઈડીના અધિકારીઓ, ભાજપના હોદ્દેદારો સહિતના પર હવે બંધ થઈ ગયેલા ચૂંટણી બોન્ડ મારફતે આઠ હજાર કરોડ ઉપરાતની રકમની બળજબરી વસૂલાતનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ઘટનાક્રમ બાદ આક્રમક બનેલી કોંગ્રેસે નાણામંત્રીનું રાજીનામું માગ્યું હતું. જનાધિકાર સંઘર્ષ પરિષદ (જેએસપી)ના આદર્શ ઐય્યરે બેંગ્લોરમાં ફરિયાદ નોંધાવીને કેન્દ્રીય નાણામંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવાની માંગણી કરી હતી. સીતારામન, ઈડીના અધિકારીઓ, ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીય પદાધિકારીઓ સામે અદાલતના આદેશ બાદ કલમ 384, 34ની સાથે 120-બી સહિતની કલમ તળે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.
આ પહેલાં, અરજી પર સુનાવણી કરતાં કોર્ટે બેંગ્લોરના તિલક નગર પોલીસ સ્ટેશનને સીતારામન તથા અન્યો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. વધુ સુનાવણી દસમી ઓક્ટોબરે હાથ ધરાશે. દરમ્યાન, આ ઘટનાક્રમ બાદ રાજકારણ ગરમ થયું હતું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સીતારામનના રાજીનામાની માંગ કરી હતી. તેમણે કર્ણાટક ભાજપ પર નિશાન સાધી સવાલ કર્યો હતો કે તેઓ કથિત `ગોટાળા’ના સંબંધમાં સીતારમન વિરુદ્ધ દેખાવો ક્યારે શરૂ કરશે? સિદ્ધારમૈયાએ કહ્યું કે જો નિષ્પક્ષ તપાસ થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની સાથે જ કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ.

