નવી દિલ્હી/ઈમ્ફાલ, તા.18 : પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ગત શનિવારે નવસેરથી હિંસા ભડકયા બાદ માહોલ સ્ફોટક છે. કેન્દ્ર સરકાર રાજયમાં ઓલ આઉટ એકશનની તૈયારીમાં હોવાના અહેવાલ છે અને સીઆરપીએફના 5000 જેટલા જવાનોને મોકલવા નિર્ણય લેવાયો છે. જે સાથે રાજ્યમાં વિવિધ એજન્સીઓ, સ્થાનિક પોલીસ મળી કુલ તૈનાતી 1 લાખ જવાનોની થશે. હિંસાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.
રવિવારે મેતૈઈ સમુદાયના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસ ગોળીબારમાં એક પ્રદર્શનકારીનું મૃત્યુ થયું હતું. રાજયમાં બે દિવસ તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે વધુ એક સમીક્ષા બેઠક યોજી જરૂરી આદેશ જારી કર્યા હતા. બેકાબૂ સ્થિતીને નિયંત્રણમાં લેવા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની પ0 કંપનીઓ (પ000 જવાન) મોકલવા નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં નવી તૈનાતી સાથે હવે ર4 કલાક ઓપરેશન ચલાવવામાં આવનાર છે. વિદ્રોહીઓ અને હિંસામાં સામેલ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પહેલા મણિપુરમાં અર્ધ સૈનિક દળના રપ00 જવાન મોકલાયા હતા. તેમ છતાં સ્થિતિ કાબૂમાં ન આવતાં રણનીતિ બદલવામાં આવી છે.
ઉપદ્રવીઓને ઝડપવા ગુપ્તચરોની મદદ લેવાઈ છે. આર્મી, આસામ રાઈફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, મણિપુર પોલીસ અને રાજયના કમાન્ડો ઈન્ફાલ સહિત બહારી વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી રહ્યા છે. રાજ્યમાં કુલ અર્ધ સૈનિક દળ, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ મળી કુલ 1 લાખ જવાનોની તૈનાતી રહેશે. રાજ્યના વિવિધ ભાગમાં નવેસરથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ર0 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી એન.બીરેન સિંહના પૈતૃક નિવાસ અને 13 ધારાસભ્યના રહેણાક પર હુમલા થયા છે. રાજ્યના હિંસાગ્રસ્ત 7 જિલ્લામાં કફર્યૂ લાદવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ સેવા હજૂય બંધ છે. રાજયમાં બફર ઝોનનું સખતાઈથી પાલન કરાવાઈ રહ્યું છે.

