PM CARES Fund Lokpal Inquiry: લોકપાલે PM-CARES ફંડની કામગીરી અને તેના ટ્રસ્ટીઓની ભૂમિકાની તપાસ કરવાની માગણી કરતી અરજીને એમ કહીને ફગાવી દીધી છે કે તેમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળનો ગુનો સ્થાપિત કરતા ‘નક્કર તથ્યો’ હાજર નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણ PM-CARES ફંડના હોદ્દાની રૂએ ટ્રસ્ટી છે.
અરજીનો નિકાલ કરતાં લોકપાલે ફરિયાદીને નવી અને વિસ્તૃત ફરિયાદ દાખલ કરવાની છૂટ આપી છે, જેમાં મુખ્યત્વે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળનો ગુનો સ્થાપિત કરતા નક્કર તથ્યો અને વિગતો રજૂ કરવામાં આવે.
આ કેસમાં ફરિયાદીએ અરજીમાં આક્ષેપ કર્યો હતો કે PM-CARES ફંડની કામગીરી સાથે સંકળાયેલા જાહેર સેવકો અને હોદ્દાની રૂએ ટ્રસ્ટીઓએ પોતાના સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો છે. તેમણે ફંડ માટે દાન એકત્ર કરવામાં, તેના સંચાલનમાં અને તેમાં જમા થયેલી રકમના ઉપયોગમાં પણ અનિયમિતતાઓ કરી હતી.
ફરિયાદીએ કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા 28 માર્ચ, 2020ના રોજ બહાર પાડવામાં આવેલા કાર્યાલયી યાદીપત્રનો ઉલ્લેખ કર્યો હતો. આ યાદીપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ‘ભારત સરકારે PM-CARES ફંડની સ્થાપના કરી છે.’ તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ફંડમાં આપવામાં આવતું યોગદાન કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) હેઠળના ખર્ચ તરીકે ગણવામાં આવશે.
આના આધારે ફરિયાદીએ તપાસની માગણી કરી હતી કે શું કોઈ જાહેર સેવકે CSR હેઠળ આપવામાં આવતા દાનના મામલે પોતાના સત્તાવાર હોદ્દા, સરકારી પ્રતિનિધિત્વ, સરકારી તંત્ર અથવા સંસ્થાકીય માધ્યમોનો અયોગ્ય ઉપયોગ કર્યો હતો. સાથે જ, આવી કાર્યવાહીથી કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને અયોગ્ય લાભ પહોંચાડવામાં આવ્યો હતો કે લાભ અપાવવામાં મદદ કરવામાં આવી હતી કે કેમ, તેની પણ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી.
ફરિયાદીએ એ પણ ચકાસવાની માગણી કરી હતી કે શું PM-CARES ફંડને વિદેશમાંથી કોઈ યોગદાન મળ્યું હતું. જો મળ્યું હોય તો તેનો કાનૂની આધાર શું હતો અને વિદેશી ભંડોળ એકત્ર કરવામાં સંબંધિત જાહેર સેવકોની શું ભૂમિકા હતી.
અરજીનો નિકાલ કરતાં લોકપાલના અધ્યક્ષ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે ફરિયાદી દ્વારા રજૂ કરવામાં આવેલું સોગંદનામું સંપૂર્ણપણે તૈયાર નથી અને લોકપાલને આગળની કાર્યવાહી કરવા માટે સંમત કરવાના હેતુથી પૂરતું નથી.
લોકપાલે પોતાના આદેશમાં કહ્યું, ‘ફરિયાદી પોતાના સોગંદનામા દ્વારા ઇચ્છે છે કે લોકપાલ પોતે તેના દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કરે અને તેમાંથી ગુનાને લગતાં નક્કર તથ્યો અને વિગતો શોધી કાઢે. બીજા શબ્દોમાં કહીએ તો, લોકપાલ પાસેથી એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે પોતે જ એવા તથ્યો માની લે, જે ગુનો સાબિત કરવા માટે જરૂરી છે. આવું કરવા માટે અમારે અમારી રીતે કેટલાક તથ્યો માની લેવા અથવા તારણો કાઢવાં પડી શકે છે, જેના વિશે ફરિયાદીએ કદાચ વિચાર્યું પણ ન હોય. આવું કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તપાસ કોઈ સ્પષ્ટ દિશા અને હેતુ વિના આગળ વધી શકે છે.’
નોંધનીય છે કે PM-CARES ફંડની તપાસનો આદેશ આપવા માટે પોતાની સમક્ષ કોઈ નક્કર તથ્યો રજૂ કરવામાં આવ્યાં ન હોવાનું જણાવવા છતાં લોકપાલની પીઠે ફરિયાદીને નવી અને વિસ્તૃત ફરિયાદ દાખલ કરવાની છૂટ આપી છે.
લોકપાલે કહ્યું કે જો નવી ફરિયાદ તમામ જરૂરી પાસાંઓની દૃષ્ટિએ સંપૂર્ણ હશે, તો તેના પર યોગ્ય રીતે વિચાર કરી શકાશે. આ દરમિયાન અગાઉની ફરિયાદ અથવા વર્તમાન આદેશની નવી ફરિયાદ પર અસર પડવી જોઈએ નહીં.

