Ponzi Scheme Bail Rules: ઠગો માટે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, હવે પોન્ઝી સ્કીમ ચલાવનારા ઠગિયાઓને સરળતાથી નહીં મળે જામીન

Arati Parmar
2 Min Read

Ponzi Scheme Bail Rules: દેશભરમાં પોન્ઝી સ્કીમ જેવા નાણાકીય કૌભાંડોમાં સામેલ આરોપીઓને હવે સરળતાથી જામીન મળશે નહીં. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતા કહ્યું છે કે લોકોને છેતરનારા પોન્ઝી સ્કીમ જેવા કૌભાંડોમાં સામેલ એવા ઠગ, જેઓ લોકોની મહેનતની કમાણી છીનવી લે છે, તેમને ગંભીર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે. તેથી, તેમને ‘જામીન નિયમ છે અને જેલ અપવાદ’ વાળા સિદ્ધાંતનો લાભ મળશે નહીં.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટના તે ચુકાદાને પલટાવતા આપ્યો છે, જેમાં હાઈકોર્ટે છેતરપિંડી અને જાળસાજીના એક કેસમાં મુખ્ય આરોપીને જામીન આપી દીધા હતા. આ આરોપી લાંબા સમયથી ફરાર હતો.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના તર્કને ફગાવ્યો

અલ્હાબાદ હાઈકોર્ટે આરોપીને એ આધારે જામીન આપ્યા હતા કે તેના સહ-આરોપીઓને જામીન મળી ચૂક્યા છે અને આ મામલો મેજિસ્ટ્રેટના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેથી તે ગંભીર ગુનો નથી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના આ તર્કને ફગાવી દીધો અને ઉચ્ચ ન્યાયાલયના જામીન આદેશને રદ કરી દીધો. જસ્ટિસ સંજય કુમારે ચુકાદો આપતા કહ્યું, ‘અમે એ જણાવવા માંગીએ છીએ કે સમાજના સભ્યોના જીવન અને સ્વતંત્રતાનું મૂલ્ય માત્ર તેમના ‘વ્યક્તિ’ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમના જીવનની ગુણવત્તા સુધી પણ ફેલાયેલું છે, જેમાં તેમની આર્થિક સુખાકારી પણ સામેલ છે.’

આર્થિક અપરાધીઓ માટે જામીનનો રાહ મુશ્કેલ

જસ્ટિસ કુમારે આ ચુકાદો એક એવા નાણાકીય છેતરપિંડીના કેસમાં લખ્યો, જેમાં આર્થિક અપરાધીઓ માટે જામીનની રાહ મુશ્કેલ થઈ ગઈ છે. હવે તેમને ગંભીર ગુનાના આરોપીઓ સમાન માનવામાં આવશે. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું, ‘નાણાકીય પ્રકૃતિના ગુનાઓમાં, જ્યાં ભોળા લોકોને ઠગો દ્વારા તેમની મહેનતની કમાણીથી છેતરવામાં આવે છે, જેઓ બીજાની સરળતાથી વિશ્વાસ કરવાની વૃત્તિનો ફાયદો ઉઠાવીને જીવે છે, એવા આરોપીઓની જામીન અરજી પર વિચાર કરતી વખતે ઉપરોક્ત પરિબળોને ચોક્કસપણે ધ્યાનમાં લેવા જોઈએ.’

- Advertisement -

આરોપી દ્વારા નામ અને ઓળખ પત્રની જાળસાજી કરવા અને લોકોને છેતરવાના ઈરાદા જેવી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતા બેન્ચે કહ્યું કે તે દર્શાવે છે કે તે એક આદતવશ ગુનેગાર છે અને સમાજ માટે ખતરો છે. કોર્ટે ફરિયાદ પક્ષની અપીલ સ્વીકારીને આરોપીને જામીન આપવાના હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે.

- Advertisement -
Share This Article