Petrol Ethanol Blending E20: કેન્દ્ર સરકારે તેલ અને ગેસ કંપનીઓને 1 એપ્રિલથી પેટ્રોલ પંપ પર દેશભરમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનો આદેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, તેલ માર્કેટિંગ કંપનીઓએ 1 એપ્રિલ 2026 થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20 ટકા સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવું પડશે, શરત એટલી કે તે લઘુત્તમ 95 ના રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ને પૂર્ણ કરતું હોય. RON ઇંધણની સ્થિરતાને માપે છે, જે દર્શાવે છે કે પ્રજ્વલન પહેલા ઇંધણ કેટલું કમ્પ્રેસન સહન કરી શકે છે અને તેની ઉચ્ચ ગુણવત્તા શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવે છે.
કેન્દ્ર સરકારે નિર્દેશ જાહેર કર્યો કે તેલ કંપનીઓ ભારતીય માનક બ્યુરોની ગાઈડલાઈન્સ અનુસાર 20 ટકા સુધી ઇથેનોલ વાળું અને લઘુત્તમ 95 ના રિસર્ચ ઓક્ટેન નંબર (RON) વાળું ઇથેનોલ મિશ્રિત મોટર સ્પિરિટ દેશભરના પેટ્રોલ પંપો પરથી વેચશે.
ભારતમાં 2023-25 પછી ભારતમાં બનેલા મોટાભાગના વાહનોને E20 પર ચાલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેવામાં કોઈ મોટી સમસ્યાની અપેક્ષા નથી. જોકે જૂના વાહનોની માઇલેજમાં નજીવો ઘટાડો (3-7 ટકા) આવી શકે છે. સાથે જ રબર કે પ્લાસ્ટિકના સ્પેરપાર્ટ્સ ખરાબ થઈ શકે છે.
લઘુત્તમ 95 RON પર ભાર એન્જિનને થતા નુકસાનને રોકવા માટે છે. રોન એન્જિન નોકિંગ (સમય પહેલા પ્રજ્વલન) પ્રતિ ઇંધણના પ્રતિકારનું એક માપદંડ છે. નોકિંગ ત્યારે થાય છે, જ્યારે ઇંધણ એન્જિનની અંદર અસમાન રીતે બળે છે. આનાથી પિંગ-પિંગ અવાજ આવે છે. સમય જતાં એન્જિનને નુકસાન થઈ શકે છે. રોન જેટલો વધુ હશે, ઇંધણ નોકિંગ સામે તેટલું જ વધુ પ્રતિરોધી હશે. ઇથેનોલનો ઓક્ટેન સ્ટાન્ડર્ડ (લગભગ 108 RON) સ્વાભાવિક રીતે ઊંચો હોય છે. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ઉમેરવાથી નોકિંગ પ્રતિકાર ક્ષમતા વધી જાય છે.
ભારત સરકારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જૂન 2022 માં નક્કી કરેલા સમય કરતા 5 મહિના પહેલા પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. ત્યારબાદ 20 ટકા ઇથેનોલ ભેળવવાની સમયમર્યાદા 2030 થી ઘટાડીને 2025-26 કરી દીધી હતી. દેશના મોટાભાગના પેટ્રોલ પંપ હવે E20 અથવા 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જ વેચે છે.

