નવીદિલ્હી, તા. 9 : સંસદનાં ચોમાસું સત્રમાં શાસક અને વિપક્ષ વચ્ચે ફરી એકવાર ઘમસાણ મચી ગયું છે. રાજ્યસભામાં આજે સપાનાં સાંસદ જયા બચ્ચન અને સભાપતિ જગદીપ ધનખડ વચ્ચે તીખી તકરાર થઈ ગઈ હતી. જેમાં જયા બચ્ચને ધનખડનાં બોલવાનાં સૂર સામે વાંધો લીધો હતો અને પછી સભાપતિએ પણ તેમને કડક ઠપકો આપ્યો હતો. આ બોલાચાલી બાદ વિપક્ષે ગૃહમાં બોલવા નહીં દેવાતા હોવાનો આરોપ મૂકીને સભાત્યાગ કર્યો હતો. જેને પગલે ઉપલા ગૃહમાં નેતા જે.પી.નડ્ડાએ વિપક્ષ સામે નિંદા પ્રસ્તાવ પેશ કર્યો હતો. બીજીબાજુ વિપક્ષ પણ સભાપતિ ધનખડ વિરુદ્ધ આરપારની લડાઈ છેડતા તેમને હટાવવા માટે અનુચ્છેદ 67 હેઠળ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો છે.

બંધારણની 67-બી કલમ હેઠળ રાજ્યસભામાં બહુમતી સભ્યો દ્વારા ઠરાવ પસાર કરીને ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવી શકાય, જો કે પહેલા આવો ઠરાવ પસાર કરવાના હેતુ સાથેની નોટિસ આપવી પડે અને ત્યારબાદ કમસે કમ 14 દિવસ સુધી રાહ જોવી પડે. રાજ્યસભામાં જયા બચ્ચને કહ્યું કે, હું એક કલાકાર છું હાવભાવ સમજું છું. મને માફ કરજો સાહેબ પણ તમારો ટોન યોગ્ય નથી. તમે અધ્યક્ષસ્થાને બિરાજમાન ભલે હોય પણ આપણે બધા સહકર્મી જ છીએ. જયા બચ્ચનની આ વાત ઉપર શાસકદળનાં સભ્યોએ હંગામો શરૂ કરી દીધો હતો.
જો કે ધનખડે બધાને અટકાવીને પોતાની નારાજગી ઠાલવી હતી. તેમણે કહ્યું કે, તમે ભલે ગમે તે હોય, કોઈ સેલિબ્રિટી કેમ ન હોય પણ ગૃહનો શિષ્ટાચાર સમજવો જ પડશે. તમારું આવું વર્તન સહન કરવામાં નહીં આવે. જેને પગલે શાસક અને વિપક્ષ બન્ને પક્ષે ભારે ધમાલ મચી ગઈ હતી. આ ધમાલ વચ્ચે વિપક્ષે ગૃહત્યાગ કરી જતાં ગૃહની કાર્યવાહી ખોરવવા માટે તેમની સામે નિંદા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બીજીબાજુ વિપક્ષનો આરોપ છે કે, તેમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. વિપક્ષ હવે આનાં માટે રાજ્યસભાનાં સભાપતિને હટાવવા માટે આરપારની લડાઈ લડવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. આનાં માટે તેઓ મહાભિયોગ પ્રસ્તાવ લાવે તેવી પણ સંભાવના છે.

