વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદનશીલ ક્ષેત્રની મુલાકાત લીધી

Reena Brahmbhatt
2 Min Read

ભુજ, તા. 31 : કચ્છની ક્રીક સરહદે દિવાળીનાં પર્વની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે કલાકની મુલાકાત અંગે સલામતી એજન્સીઓએ ભારે ગુપ્તતા સેવી હતી. કેવડિયા કોલોનીમાં એક્તા પરેડ માટે આવેલા વડાપ્રધાન ગુજરાત સરહદે જવાનો સાથે દિવાળી મનાવે એવી અટકળો બે દિવસથી ચાલતી હતી, પણ સીમા દળે તેને મળેલા આદેશનું ચુસ્ત રીતે પાલન કરીને લક્કી નાળાની આ મુલાકાત છેલ્લી ઘડી સુધી જાહેર કરી ન હતી. – વડાપ્રધાન વડોદરાથી વિમાન માર્ગે ભુજ અને અહીંથી હેલિકોપ્ટર દ્વારા લક્કી નાળા પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદીના નામવાળી નેમપ્લેટ ધરાવતા સીમા સુરક્ષા દળના ગણવેશને તેમણે આવતા અગાઉ ધારણ કરી લીધો હતો અને તે તેમના માપ મુજબ તૈયાર કરાયો હતો. – લક્કી નાળા ખાતે સીમા દળના ગુજરાત એકમના આઇજી અભિષેક પાઠક અને કચ્છ સેક્ટરના ડીઆઇજી અનંતાસિંહ ઉપરાંત લશ્કરની આંતરિક જળ માર્ગ નિયમન દળની ટુકડીના મહિલા અધિકારીએ તેમને હેલિપેડ પર આવકાર્યા હતા. – આ મુલાકાત એટલી ગુપ્ત રખાઇ હતી કે તેના બ્રેકિંગ ન્યૂઝ રાષ્ટ્રીય સમાચાર ચેનલોમાં સવારથી હોવા છતાં સ્થાનિકે તંત્ર તેનાથી અજાણ હતું.

- Advertisement -

સ્થાનિકની રાજકીય નેતાગીરીને પ્રોટોકલથી અને સ્થાનિક પત્રકારોને કાર્યક્રમથી અળગા રાખાયા હતા. – વડાપ્રધાન ક્રીક જેવી સંવેદનશીલ સરહદે આવતા હોય ત્યારે પાકિસ્તાન ભારતીય માછીમારોને ઉઠાવી જવા જેવી અવળચંડાઇ કરે તો બદનામી ન થાય તે માટે આ ગુપ્તતા રખાઇ હોવાની ચર્ચા છે. – લક્કી નાળાથી બોટ દ્વારા મોદી અને અધિકારીઓ સીમા દળની તરતી ચોકી પર ગયા હતા. ત્યાં તેમણે તૈનાત જવાનોને મીઠાઇ ખવડાવી હતી. – પરત આવીને મોદીએ લક્કી નાળા ખાતે જવાનોને સંબોધ્યા હતા. સીમા દળ ઉપરાંત લશ્કરી ટુકડી અને નૌકા દળના માર્કોસ કમાન્ડોના જવાનો અને અધિકારીઓ આ સંબોધનમાં સાક્ષી બન્યા હતા.

Share This Article