દેશભરમાં ભારોભાર આક્રોશ ફેલાવનાર કોલકાતાની `નિર્ભયા’ને ન્યાય ; સંજય રોય દોષી

Reena Brahmbhatt
2 Min Read

કોલકાતા, તા. 18 : દેશભરમાં ભારોભાર આક્રોશ ફેલાવનાર કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ફરજ પર તૈનાત તાલીમી તબીબ પર દુષ્કર્મ અને હત્યાનાં હિચકારાં કૃત્યના મામલામાં આખરે શનિવારે 161 દિવસ બાદ કોલકાતાની `નિર્ભયા’ને ન્યાય મળ્યો હતો. સિયાલદહ અદાલતે આજે જધન્ય અપરાધના મુખ્ય આરોપી એવા નરાધમ સંજય રોયને દોષી ઠરાવ્યો હતો. હેવાન સંજયને સજાનું એલાન સોમવારે કરાશે. ન્યાયમૂર્તિ અનિર્બાન દાસે શનિવારની બપોરે અઢી વાગ્યે પીડિતા તબીબને ન્યાય આપતો ફેંસલો સંભળાવ્યો હતો.

સીબીઆઇ તરફથી સંજયને ફાંસીની સજા ફટકારવાની માંગ કરાઇ હતી. અદાલતે ફેંસલો આપ્યો ત્યારે પીડિતા તબીબનાં માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં મોજુદ હતાં. ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (દુષ્કર્મ માટે સજા), કલમ 66 (મૃત્યુનું કારણ બનવા માટે સજા) અને કલમ 103 (હત્યા) હેઠળ સંજય રોયને અપરાધી જાહેર કરાયો હતો. ન્યાયમૂર્તિ અનિર્બાન દાસે રોયને દોષી ઠરાવતાં પોતાની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, તને સજા મળવી જ જોઇએ. દોષી ઠરાવાયેલા સંજયે અદાલતમાં કહ્યું હતું કે, મને આ ખોટા કેસમાં ફસાવ્યો છે. મેં આવું કોઇ કૃત્ય કર્યું જ નથી. અપરાધમાં એક આઇપીએસ અધિકારી પણ સામેલ છે.

- Advertisement -

મને ફસાવનાર અન્ય લોકોને કેમ છોડી દેવાયા છે, તેવો સવાલ દોષીએ કર્યો હતો. આ સવાલના જવાબમાં ન્યાયમૂર્તિ અનિર્બાન દાસે જણાવ્યું હતું કે, અદાલતે તમામ પુરાવાની બારિકાઇ સાથે તપાસ કરી છે. તમામ સાક્ષીઓને સાંભળ્યા, દલીલો સાંભળ્યા બાદ ફેંસલો કરાયો છે. હવે સોમવારે સજાનું એલાન કરાશે, ત્યાર સુધી દોષી સંજય રોયને ન્યાયિક કસ્ટડી હેઠળ પોલીસને સોંપી દેવાયો છે. વિતેલાં વર્ષે નવમી ઓગસ્ટના તાલીમી તબીબ મહિલાનો મૃતદેહ આરજી કર મેડિકલ કોલેજ, હોસ્પિટલના સેમિનાર હોલમાં અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. દેશભરમાં રોષ સાથે કોલકાતામાં તબીબો, આરોગ્ય કર્મીઓએ લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યાં હતાં. સીસીટીવી ફુટેજ અને અપરાધ થયો તે સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે કોલકાતા પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી. કેસની તપાસ કરનાર સીબીઆઇ દ્વારા રોયને મૃત્યુદંડની માંગ કરાઇ છે.

Share This Article