Rahul Gandhi: NEET પ્રવેશ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન સરકારે રાજધાનીમાં અનેક પ્રતિબંધો લાગુ કર્યા છે અને દિલ્હીના 18 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું, “મેટ્રો બંધ કરો, રસ્તા બંધ કરો, દુકાનો બંધ કરો, નેટ બંધ કરો અને ભોજન બંધ કરો.” તેમણે PM મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે માત્ર પેપર લીક જ PM મોદી બંધ કરાવી શક્યા નથી.
પોતાનો હક માગી રહેલા વિદ્યાર્થીઓ સામે કઠોર પગલાં
શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું, “મેટ્રો બંધ કરો, રસ્તા બંધ કરો, દુકાનો બંધ કરો. પોતાનો હક માગી રહેલા વિદ્યાર્થીઓ સામે સરકારે આ કઠોર પગલાં લીધાં છે.”
मेट्रो बंद करो।
रास्ते बंद करो।
दुकानें बंद करो।
Internet बंद करो।
खाना बंद करो।
अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।
बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी – पेपर लीक।
— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026
રાહુલે ઉઠાવ્યો પેલેટ ગનનો મુદ્દો
આ પહેલાં શુક્રવારે પણ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, “જ્યારે આ યુવાનો હાથમાં ભારતનો તિરંગો લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર પેલેટ ગન ચલાવવામાં આવી. સરકાર કહે છે કે વિરોધ દરમિયાન પેલેટ ગનનો ઉપયોગ થયો નથી, પરંતુ સત્ય સૌની સામે છે.”
તેમણે દાવો કર્યો કે પેલેટ ગનના હુમલામાં એક વિદ્યાર્થીની આંખને ગંભીર ઈજા પહોંચી છે અને તેની દ્રષ્ટિ જતી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું, “હું ખાતરીપૂર્વક એટલું પણ કહી શકતો નથી કે આ યુવાનની આંખોની રોશની બચી શકશે કે નહીં.”
વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો આરોપ
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે પેપર લીક વિરુદ્ધ વિરોધ કરી રહેલા હજારો યુવાનો પર પેલેટ ગન ચલાવવામાં આવી અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માત્ર પોતાના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર સીધો હુમલો કરતાં કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાન અપરાધિક શિક્ષણ મંત્રી છે. તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેઓ દેશની શિક્ષણ વ્યવસ્થાના પતનનું પ્રતીક છે. આજે હજારો લોકો રસ્તા પર છે, તેના માટે તેઓ જ જવાબદાર છે.”
તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે દેશના ભવિષ્ય પર હુમલો કર્યો છે, જ્યારે વિદ્યાર્થીઓ માત્ર ત્રણ માંગણીઓ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ આ છે:
- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે.
- વિદ્યાર્થીઓ સાથે થયેલી કથિત બર્બરતા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
- PM નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને દેશની માફી માગે.
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને અપીલ કરતાં કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓને ડરાવવાનું, ધમકાવવાનું અને તેમની સાથે મારપીટ કરવાનું બંધ કરે તેમજ તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરીને તેનો અમલ કરે.

