રાજકોટઃ બોટાદ પાસે ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર, ટ્રેક પર રાખવામાં આવ્યો 4 ફૂટ લાંબો લોખંડનો ટુકડો

Reena Brahmbhatt
3 Min Read

ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન સાથેનો બનાવ, ડોગ સ્કવોડ અને ડ્રોન કેમેરાથી તપાસ શરૂ.

બોટાદ, 25 સપ્ટેમ્બર. ગુજરાતના બોટાદ નજીક બુધવારે વહેલી સવારે ફરી એક વખત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર પ્રકાશમાં આવ્યું છે. રેલવે ટ્રેક પર 4 ફૂટ લાંબો લોખંડનો ટુકડો મૂકવામાં આવ્યો હતો, જે ઓખા-ભાવનગર ટ્રેન (ટ્રેન નંબર 19210)ના એન્જિન સાથે અથડાયો હતો. બનાવને પગલે એન્જિન બગડી જવાના કારણે બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે ટ્રેન લગભગ 3 કલાક રોકાઈ હતી. બાદમાં બીજું એન્જિન આવતાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં બોટાદ એસપી, ડીવાયએસપી સહિતના રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

- Advertisement -

mumbai train

મળતી માહિતી મુજબ બુધવારે સવારે 3 વાગ્યાના સુમારે ઓખાથી ભાવનગર જતી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું એન્જીન ફેલ થતા બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટરના અંતરે થંભી ગયું હતું. રેલવે ટ્રેક પર લગભગ 4 ફૂટ લાંબા લોખંડના ટુકડા સાથે અથડાવાને કારણે ટ્રેનનું એન્જિન ખરાબ થઈ ગયું હતું. ટ્રેન લગભગ 3 કલાક આ જગ્યાએ ઉભી રહી હતી. બાદમાં બીજું એન્જિન બોલાવીને ટ્રેન રવાના કરવામાં આવી હતી.

- Advertisement -

બનાવ અંગે બોટાદના પોલીસ અધિક્ષક કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે આ ઘટના બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટર દૂર બની હતી. બુધવારે વહેલી સવારે ઓખા ભાવનગર ટ્રેન અહીંથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેક પર 4 ફૂટ લાંબો લોખંડનો ટુકડો મૂક્યો હતો, જેના કારણે ટ્રેન અથડાઈને થંભી ગઈ હતી. પેસેન્જર ટ્રેન હોવાના કારણે તેની સ્પીડ સામાન્ય હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે વિભાગ અને રેલવે પોલીસને બાતમી મળ્યા બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી સહિત અનેક ટીમોએ તપાસ શરૂ કરી છે. ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમણે ડોગ સ્કવોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે.

સુરતમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું ઘડાયું હતું

- Advertisement -

મળતી માહિતી મુજબ 21 સપ્ટેમ્બરે સુરતના કીમ સ્ટેશન પાસે ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ થયો છે. જેમાં રેલવે ટ્રેકના 71 પેડલોક અને 2 ફિશ પ્લેટ ખોલવામાં આવી હતી. જો કે, ઘટનાની તપાસમાં ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે નોકરીમાં પ્રમોશન અને સોશિયલ મીડિયાની પ્રશંસા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Share This Article