નવી દિલ્હી તા.8 : સુપ્રીમ કોર્ટે 1967ના પોતાના જ ચુકાદાને પલટી નાખ્યો છે જેમાં કહયુ હતુ કે એએમયુ (અલીગઢ મુસિલમ યુનિવર્સિટી) માઈનોરિટી ઈન્સ્ટીટયૂટ નથી. એએમયુના લઘુમતી દરજ્જા અંગે હવે સુપ્રીમની નવી બેંચ સુનાવણી કરી નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટે પ7 વર્ષ જૂનો પોતાનો ચુકાદો રદ કર્યા બાદ હવે 3 જજની નવી બેંચ એએમયુના લઘુમતિ દરજ્જા અંગે નિર્ણય લેશે. સુપ્રીમની 7 જજની બેંચે 4:3ના બહુમતથી 1967નો પોતાનો જ ચુકાદો પલટી નાખ્યો છે.
કોર્ટે શુક્રવારે માન્યુ કે એએમયુ લઘુમતિ દરજ્જાની હકદાર છે. જે સાથે મામલાને 3 જજોની નિયમિત બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો. જે એ મુદ્દો તપાસશે કે એએમયુની સ્થાપના શું લઘુમતિઓએ કરી હતી ? તેની પાછળ મૂળ વિચાર કોનો હતો ? સુપ્રીમે કહ્યં કે કોઈ સંસ્થાન માત્ર એટલા માટે લઘુમતિનો દરજ્જો ન ગુમાવી શકે કારણ કે તેને કેન્દ્રીય કાયદા હેઠળ બનાવવામાં આવ્યું છે. નવી બેંચ એ બાબત નિર્ણય લેશે કે એએમયુ લઘુમતિ સંસ્થાન છે કે નહીં ? જો તપાસમાં એ સાબિત થશે કે એએમયુની સ્થાપના પાછળ લઘુમતિ સમુદાય હતો તો આર્ટિકલ 30 હેઠળ તે લઘુમતિ દરજ્જા માટે દાવો કરી શકે છે. વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે એએમયુએ ખૂદને લઘુમતિ માની અને મેડિકલના પીજી કોર્સમાં પ0 ટકા બેઠકો મુસ્લિમ છાત્રો માટે અનામત કરી હતી જેની સામે હિંદુ છાત્રો અલાહાબાદ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે એએમયુને લઘુમતિ સંસ્થાન માની ન હતી. જેની સામે એએમયુ સુપ્રીમમાં પહોંચી હતી. ર019માં સુપ્રીમે આ મામલો 7 જજની બંધારણિય બેંચને સોંપ્યો હતો.

