SC NEET PG Re-exam 2026: સુપ્રીમ કોર્ટે NEET PGની ફરી પરીક્ષા યોજવાની માંગ કરતી અરજી ફગાવી, ₹25,000નો દંડ પણ ફટકાર્યો

Arati Parmar
2 Min Read

SC NEET PG Re-exam 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે NEET-PG 2026ની પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરતી જનહિત અરજી (PIL) ફગાવી દીધી. કોર્ટે અરજી દાખલ કરનાર અરજદાર અને તેના વકીલને કડક ઠપકો આપતાં કહ્યું કે પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ પાડતી આવી અરજીઓ સ્વીકારી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે અરજી ફગાવવાની સાથે ₹25,000નો દંડ પણ ફટકાર્યો.

NEET-PGની ફરી પરીક્ષાની અરજી ફગાવી

જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે સુનાવણી દરમિયાન અરજદારના વકીલની ભૂમિકા અંગે ગંભીર મૌખિક ટિપ્પણી કરી. ખંડપીઠે કહ્યું કે અરજદાર અને વકીલ સતત પરીક્ષાઓ સાથે જોડાયેલા મામલાઓમાં અદાલતનો સંપર્ક કરી રહ્યા છે. જસ્ટિસ નરસિંહાએ ટિપ્પણી કરી કે તે વ્યક્તિ “ફુલ-ટાઇમ PIL લિટિગન્ટ” બની ગયો છે અને જ્યાં પણ પરીક્ષાઓ યોજાય છે, ત્યાં અરજી લઈને પહોંચી જાય છે.

- Advertisement -

અરજીમાં સમગ્ર દેશમાં NEET-PG 2026 પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરવામાં આવી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મે 2025માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તે આદેશનું ઉલ્લંઘન થયું છે, જેમાં NEET-PG પરીક્ષા એક જ શિફ્ટમાં યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અરજદારોમાંથી કોઈ પણ અસરગ્રસ્ત નથી

મામલાની સુનાવણી દરમિયાન નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું કે અરજદારોમાંથી કોઈ પણ તે સમસ્યાથી અસરગ્રસ્ત ઉમેદવાર નથી, જેના આધારે ફરી પરીક્ષા યોજવાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અરજી દાખલ કરનારા ત્રણ લોકોમાંથી બે નોઇડા અને પંજાબના છે, જ્યારે વાસ્તવમાં અસરગ્રસ્ત ઉમેદવારો જયપુરના છે.

- Advertisement -

5 સપ્ટેમ્બરે ફરી પરીક્ષા યોજાશે

અરજદાર તરફથી દાવો કરવામાં આવ્યો કે પરીક્ષા દરમિયાન ટેક્નિકલ અને વીજળી સંબંધિત વિક્ષેપ માત્ર જયપુર સુધી મર્યાદિત નહોતો, પરંતુ દેશભરના 34 પરીક્ષા કેન્દ્રો પર આવી સમસ્યા સામે આવી હતી. તેના કારણે આશરે 2,500 ઉમેદવારો પરીક્ષા પૂર્ણ કરી શક્યા નહોતા. NBEMSએ તેનો વિરોધ કરતાં કહ્યું કે સમગ્ર દેશમાં કુલ 1,111 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અને માત્ર જયપુરના બે કેન્દ્રો પર આંતરિક વીજ પુરવઠો ખોરવાવાના કારણે પરીક્ષા યોજાઈ શકી નહોતી.

બોર્ડે અસરગ્રસ્ત ઉમેદવારો માટે અલગથી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો છે. આશરે 2,500 અસરગ્રસ્ત ઉમેદવારો માટે આ પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાવાની છે.

- Advertisement -
Share This Article