SC Wheelchair Facility in Cabs: સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ: હવે કેબમાં વ્હીલચેર માટે રાખવી પડશે જગ્યા, દિવ્યાંગોની સુવિધા માટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Arati Parmar
2 Min Read

SC Wheelchair Facility in Cabs: સુપ્રીમ કોર્ટે શુક્રવારે દિવ્યાંગજનોની મદદ માટે વધુ સારા આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે કેબ સેવાઓને એવી રીતે તૈયાર કરવી જોઈએ કે જેમાં વ્હીલચેર અને અન્ય સહાયક ઉપકરણો (ડિવાઈસ) રાખવાની સુવિધા હોય. જસ્ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચ દિવ્યાંગજનો માટે ‘ફર્સ્ટ માઈલ’ અને ‘લાસ્ટ માઈલ’ કનેક્ટિવિટી સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી.

બેન્ચે જણાવ્યું હતું કે આજે મોટા શહેરોમાં દરેક જગ્યાએ કેબ ઉપલબ્ધ છે, તેથી કેબ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ દિવ્યાંગજનોની વ્હીલચેર અને અન્ય સહાયક ઉપકરણોને સમાવી શકે.

- Advertisement -

કોર્ટે દિવ્યાંગજનો માટે વિશેષ કેબની વ્યવસ્થા કરવાનું પણ સૂચન કર્યું હતું. અદાલતે કહ્યું કે કેબ એપમાં એવા વિકલ્પો હોઈ શકે છે, જ્યાંથી દિવ્યાંગજનો માટે ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલી કેબ બુક કરી શકાય.

કેબમાં કેમ નથી હોતી વ્હીલચેર રાખવાની સુવિધા?

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને કેબમાં ચઢવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેમણે કહ્યું કે મોટાભાગની કેબ CNG કિટ વાળી હોય છે, જેનાથી ગાડીમાં જગ્યા ઓછી થઈ જાય છે અને વ્હીલચેર રાખવાની સુવિધા મળતી નથી. તેમણે યુરોપિયન દેશોની જેમ ‘યુનિવર્સલ ડિઝાઇન’ લાગુ કરવાનું સૂચન પણ આપ્યું હતું.

- Advertisement -

સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ

આ બાબતે બેન્ચે કેન્દ્ર સરકારના વકીલને સવાલ કર્યો કે જો કોઈ વ્યક્તિનું ઘર મુખ્ય રોડથી એક કિલોમીટર દૂર હોય અને તે ઓટોમેટિક વ્હીલચેર પર આવે, પરંતુ તેને કેબમાં રાખી ન શકે, તો તે શું કરશે? કેન્દ્ર સરકારના વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દાઓની સમીક્ષા સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રકારના કેસો માટે સુપ્રીમ કોર્ટ પહેલાથી જ એક કમિટી બનાવી ચૂકી છે.

બેન્ચે કહ્યું કે આ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર પણ તે જ કમિટી વિચાર કરી શકે છે. જોકે અરજદારના વકીલે કહ્યું કે તેમનો કેસ અલગ છે. અદાલતે આ મામલાની આગામી સુનાવણી 24 માર્ચ ના રોજ નક્કી કરી છે.

- Advertisement -
Share This Article