શાહરૂખ ખાને સખત મહેનતના કારણે આજે બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. શાહરૂખના ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. શાહરૂખની ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. એટલું જ નહીં, શાહરૂખને અલગ-અલગ પાત્રો માટે લોકોનો પ્રેમ પણ મળે છે. શાહરૂખને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલ પર ઘણા સન્માન મળ્યા છે. આ રીતે શાહરૂખને વધુ એક સન્માન મળશે. આવી સ્થિતિમાં તેના ચાહકોને ફરી એકવાર તેના પર ગર્વ છે.


વિશ્વનું સન્માન ગણાતો 77મો લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ ટૂંક સમયમાં યોજાશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના કિંગ અને ગ્લોબલ સ્ટાર બની ચૂકેલા શાહરૂખ ખાનનું વિશેષ સન્માન કરવામાં આવશે. અભિનેતાને તેની કારકિર્દીની સિદ્ધિઓ માટે પ્રતિષ્ઠિત પાર્ડો અલ્લા કેરેરા એસ્કોના-લોકાર્નો ટુરિસ્મો એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય સિનેમામાં વિવિધ શૈલીમાં 100 થી વધુ ફિલ્મોમાં યોગદાન બદલ શાહરુખને ફેસ્ટિવલમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અથવા લેપર્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલ 7 ઓગસ્ટથી સ્વિટ્ઝર્લેન્ડમાં શરૂ થશે અને 17 ઓગસ્ટ સુધી ચાલશે. શાહરૂખ ખાનને શનિવાર 10 ઓગસ્ટની સાંજે આ એવોર્ડ આપવામાં આવશે. આ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાનની જાણીતી ફિલ્મ ‘દેવદાસ’ પણ બતાવવામાં આવશે. આ પછી 11 ઓગસ્ટે શાહરૂખ લોકો સાથે વાત કરવા માટે ખાસ હાજર રહેશે.

