Shivaji Maharaj Patidar Controversy: શિવાજી મહારાજ પાટીદાર કે મરાઠા? સી.આર. પાટીલના નિવેદનથી છેડાયો નવો વિવાદ, જાણો ઇતિહાસ શું કહે છે

Arati Parmar
3 Min Read

Shivaji Maharaj Patidar Controversy: તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા સુરતમાં આયોજિત ‘સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ’ના કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજને ‘પાટીદાર’ ગણાવતું નિવેદન આપવામાં આવ્યું છે. પાટીલના આ વિવાદાસ્પદ દાવા બાદ સોશિયલ મીડિયા અને ઇતિહાસકારોમાં શિવાજી મહારાજની જાતિને લઈને નવી ચર્ચા છેડાઈ છે. શું ખરેખર મરાઠા ગૌરવ શિવાજી મહારાજ પાટીદાર હતા? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ઇતિહાસના પાનાઓ અને વિવિધ ઇતિહાસકારોના મતો તપાસવા અનિવાર્ય છે.

વડવાઓનો વ્યવસાય અને ‘પાટીલ’ પદવી

ઇતિહાસકાર જદુનાથ સરકારના પુસ્તક ‘શિવાજી ઍન્ડ હીઝ ટાઇમ્સ’ મુજબ, શિવાજી મહારાજનો જન્મ મરાઠા જાતિની ‘ભોંસલે’ શાખામાં થયો હતો. ૧૬મી સદીમાં તેમના વડવા બાબાજી ભોંસલે પૂના જિલ્લાના હિંગની અને દેવલગાંવમાં ‘પાટીલ’ (જેને મહારાષ્ટ્રમાં ગ્રામ પ્રમુખ કે પટેલ કહેવામાં આવે છે) તરીકે કામ કરતા હતા.

- Advertisement -

ઇતિહાસકાર પાંડુરંગજી બલકવડે સી.આર. પાટીલના નિવેદનને ‘અર્ધસત્ય’ ગણાવતા કહે છે કે, “જે કામ ગુજરાતમાં પટેલ કરતા હતા તે જ કામ મહારાષ્ટ્રમાં પાટીલ કરતા. શિવાજીના પૂર્વજો પાટીલના ખાનદાનમાંથી આવતા હતા, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ ગુજરાતના પાટીદાર સમુદાયના હતા.”

શું શિવાજી મહારાજ ક્ષત્રિય હતા?

શિવાજી મહારાજની જાતિનો વિવાદ વર્ષ ૧૬૭૪ માં તેમના રાજ્યાભિષેક સમયે સૌથી વધુ ચર્ચાયો હતો. તે સમયે સ્થાનિક બ્રાહ્મણોએ તેમને ‘શુદ્ર’ ગણીને રાજ્યાભિષેક કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે શાસ્ત્રો મુજબ માત્ર ક્ષત્રિયો જ રાજા બની શકતા હતા.

- Advertisement -

આ અવરોધને દૂર કરવા માટે કાશીના પ્રખર પંડિત ગાગા ભટ્ટે શિવાજી મહારાજને મેવાડના સિસોદિયા વંશના રાજપૂત સાબિત કર્યા હતા. જોકે, ઇતિહાસકાર જદુનાથ સરકાર અને ઇન્દ્રજિત સાવંત આ વંશાવળીને શંકાસ્પદ માને છે. સાવંતના મતે, “ખુદ શિવાજીએ ૧૬૭૭ માં લખેલા પત્રમાં પોતાની જાતિ ‘મરાઠા’ હોવાનો ઉલ્લેખ કર્યો છે.”

ઇતિહાસકારોનો મત: જાતિના બંધનથી ઉપર

વિશ્વાસ પાટીલ જેવા ઇતિહાસકારો માને છે કે શિવાજી મહારાજ એક માનવતાવાદી યુગપુરુષ હતા, જેમને કોઈ એક જાતિના બંધનમાં બાંધવા યોગ્ય નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ તેમના પુસ્તક ‘શુદ્ર કૌન થે?’ માં આ રાજ્યાભિષેક અને બ્રાહ્મણોના વિરોધ પર સવાલો ઉઠાવ્યા હતા.

- Advertisement -

ઇતિહાસ સ્પષ્ટ કરે છે કે શિવાજી મહારાજના પૂર્વજો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા હતા અને ગામના ‘પાટીલ’ તરીકે સેવા આપતા હતા. જોકે, ભાષા, સંસ્કૃતિ અને કુળદેવીની દ્રષ્ટિએ તેઓ મહારાષ્ટ્રના મરાઠા હતા. સી.આર. પાટીલનું નિવેદન કદાચ ‘પાટીલ’ પદવી અને ‘પટેલ’ વચ્ચેની સમાનતાના આધારે હોઈ શકે, પરંતુ ઐતિહાસિક રીતે શિવાજી મહારાજ ગુજરાતના પાટીદાર સમુદાયનો હિસ્સો હતા તેવો કોઈ ઠોસ પુરાવો મળતો નથી.

Share This Article