Kangana Farmers Case: કૃષિ કાયદા, ટેકાના ભાવ સહિતના મુદ્દે જયારે અનેક ખેડૂતો આંદોલન પર હતા ત્યારે ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રાણૌતે ખેડૂતો અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કંગનાને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘તમે જે ટિપ્પણી કરી હતી તે સામાન્ય નહોતી, તમે તેમાં મસાલો ભભરાવ્યો હતો.’ નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી કંગના દ્વારા તે સમયે કરવામાં આવેલી રિટ્વિટને લઈને કરી હતી.
કંગનાની વિવાદિત ટિપ્પણી
ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું તેમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો પણ જોડાઈ હતી, કંગનાએ મહિલા ખેડૂતો અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આ 2 એ જ દાદી છે જે શાહીનબાગમાં ધરણા પર બેઠી હતી, આ 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જાય છે. કંગનાનો દાવો હતો કે આ મહિલા અગાઉ શાહીનબાગમાં પણ ધરણા પર બેઠી હતી, જોકે તેનો આ દાવો જૂઠો સાબિત થયો હતો.
મહિલા ખેડૂતે કરી ફરિયાદ
કંગનાના 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થઈ જવા જેવી ટિપ્પણી મુદ્દે મહિલા ખેડૂત મહિંદર કૌરે બદનક્ષીની ફરિયાદ કરી હતી.
સુપ્રીમ કોર્ટની ફટકાર
કંગનાએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મેહતાની ખંડપીઠે રાહત આપવાની ના પાડી દીધી હતી, આ સાથે જ કંગનાને સવાલ પૂછ્યો હતો કે તમે જે ટ્વિટમાં ટિપ્પણી કરી છે તેના વિશે શું કહેવા માગો છો? આ કોઇ સામાન્ય રિટ્વીટ નહોતું, તમે તેમાં કંઇક ઉમેરો કર્યો હતો, અગાઉ જે કંઈ કહેવાયું તેમાં તમે મસાલો ભભરાવ્યો.
જોકે, કંગનાના વકીલે એવી દલીલ કરી હતી કે આ મુદ્દો એક રીટ્વિટ સાથે જોડાયેલો છે, જ્યારે અગાઉ એક ટ્વિટમાં મુખ્ય ટિપ્પણી કરી દેવાઈ હતી.
પંજાબ કોર્ટમાં થશે ટ્રાયલ
જવાબમાં સુપ્રીમે કહ્યું હતું કે, તમે બચાવ ટ્રાયલ કોર્ટમાં કરજો, આ સાથે જ સવાલ પૂછ્યો હતો કે શું તમે ફરિયાદ રદ કરવા માટેની અરજી પરત લેવા માગો છો? બાદમાં કંગનાએ પોતાની અરજી પાછી લેવી પડી હતી. જેને પગલે હવે આ મામલે કંગનાની સામે પંજાબના બઠિંડાની કોર્ટમાં ટ્રાયલ ચાલશે.