Nepotism in Politics: રાજકારણમાં પરિવારવાદને લઈને પક્ષો એકબીજા પર આક્ષેપો કરતા હોય છે, એવામાં એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે વર્તમાન સાંસદો, ધારાસભ્યો, એમએલસી મળીને ચૂંટાયેલા કુલ પ્રતિનિધિઓમાંથી 21 ટકા એવા છે કે જેમના પરિવારમાંથી કોઈને કોઈ રાજકારણ સાથે જોડાયેલું હશે. આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી 31 ટકા સાથે લોકસભા ટોચના સ્થાને છે કે જ્યાં સૌથી વધુ પરિવારવાદ જોવા મળ્યો છે.
તમામ રાષ્ટ્રીય પક્ષ 20 ટકા રાજવંશીય સંબંધ ધરાવે છે
એડીઆર નામની સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પક્ષોના તમામ 3214 વર્તમાન ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલર્સની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ તમામ રાષ્ટ્રીય પક્ષના 3214 વર્તમાન સાંસદ, ધારાસભ્ય, એમએલસીમાંથી 657 એટલે કે 20 ટકા ડાયનેસ્ટિક એટલે કે રાજવંશીય સંબંધ ધરાવે છે. જેમના પરિવારમાંથી કોઈને કોઈ રાજકારણમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યું છે અથવા હાલ કરી રહ્યું છે. આ 657 માંથી 32 ટકા કોંગ્રેસના સાંસદ, ધારાસભ્ય, એમએલસીનો સમાવેશ થાય છે જ્યારે ભાજપમાં આવા ચૂંટાયેલા નેતાઓની સંખ્યા 18 ટકા છે. જ્યારે, સીપીઆઇ(એમ)માં સૌથી ઓછા માત્ર આઠ ટકા છે.
એડીઆર ઉપરાંત નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટમાં સામે આવ્યું છે કે 1107 (21 ટકા) વર્તમાન સાંસદો, ધારાસભ્યો, એમએલસી ડાયનેસ્ટિક રાજવંશીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. રાજ્યોની વિધાનસભાઓમાં આવી સંખ્યા સૌથી ઓછી 20 ટકા છે, જ્યારે લોકસભામાં 31 ટકા, રાજ્યસભામાં 21 ટકા, કાઉન્સિલ્સમાં 22 ટકા છે. એટલે કે વિધાનસભા કરતા લોકસભામાં આવા નેતાઓની સંખ્યા વધુ છે.
રાજ્યો પર નજર કરીએ તો 141 સાથે ઉત્તર પ્રદેશ ટોચના સ્થાને છે, 129 સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને 36 પ્રતિનિધિઓ સાથે બિહાર ત્રીજા જ્યારે 94 સાથે કર્ણાટક ચોથા ક્રમે છે. કુલ 4665 વર્તમાન સાંસદો, ધારાસભ્યો અને ધરાવે એમએલસીમાંથી 856 (18 ટકા) રાજવંશીય સંબંધ ધરાવે છે. આ તમામ પ્રતિનિધિઓમાં 539 મહિલાઓને સમાવેશ થાય છે કે જેમાં 251 (47 ટકા) રાજકીય પરિવાર સાથે નાતો ધરાવે છે.