Supreme Court on IPC Section 498A: સુપ્રીમ કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓ માટે મહત્ત્વનો ચુકાદો આપતાં હાઈકોર્ટનો આદેશ ફગાવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, પરિણીત મહિલાઓને પતિ અને સાસરિયા વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ IPCની કલમ 498A હેઠળ નોંધવા માટે દહેજની માંગણી જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના વરાલેની સંયુક્ત બેન્ચે જણાવ્યુ હતું કે, ‘આઈપીસીની કલમ 498A હેઠળ ગુનો નોંધી દોષિત પતિ અને સાસરિયાઓ સામે કાર્યવાહી કરવા માટે દહેજની માગ જરૂરી નથી. આઈપીસીની કલમ 498A મૂળ સ્વરૂપે ઘરેલુ હિંસા માટે છે. જેમાં દહેજ ન લેવાની ઘટના પ્રભાવિત કરતી નથી. ભલે દહેજની માગ ન થઈ હોય પરંતુ પત્ની પર પતિ- અને સાસરિયા તરફથી ઘરેલુ હિંસા થતી હોય તો કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.’
પત્નીને મારવાનો આરોપ
સુપ્રીમ કોર્ટ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી કરી રહી હતી. જેમાં એક વ્યક્તિ વિરૂદ્ધ કલમ 498A હેઠળ કાર્યવાહી એટલા માટે રદ કરવામાં આવી, કારણકે તેમાં દહેજની માગ સામેલ નથી. આ વ્યક્તિ પર પત્નીને માર મારવાનો અને સાસરિયામાંથી કાઢી નાખવાનો આરોપ હતો. પીડિતાએ આરોપ મૂક્યો હતો કે, ‘મને ઘણી વખત સાસરિયામાંથી કાઢી મૂકવામાં આવી હતી. મને ઘરમાં ઘૂસવા દેતા ન હતાં. પોલીસે ફરિયાદ નોંધી પતિ અને તેની સાસુ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.’ જો કે, હાઈકોર્ટે તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે કહ્યું કે, પીડિતાની ફરિયાદમાં દહેજનો ઉલ્લેખ નથી. જેથી આઈપીસી કલમ 498A વિરૂદ્ધ આ ગુનો નોંધી શકાય નહીં. ત્યારબાદ આ ગુનો રદ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે મામલો રદ કરતાં પીડિતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કલમ 498A નો ગહન અભ્યાસ કરી જણાવ્યું હતું કે, ‘ક્રૂરતા (હિંસા)ની વ્યાખ્યા વ્યાપક છે. જેમાં શારીરિક અને માનસિક બંને પ્રકારના નુકસાન સામેલ છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવતાં જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ 498A હેઠળ કાર્યવાહી કરવા દહેજની માગનો ઉલ્લેખ અથવા આરોપ મૂકાવો જરૂરી નથી. આ કલમમાં શારીરિક અને માનસિક હિંસા જ કાર્યવાહી હાથ ધરવા પર્યાપ્ત છે.’
