Supreme Court rape case Guidelines: યૌન ગુનાઓના કેસોમાં ન્યાયાધીશોએ સંવેદનશીલ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ: સુપ્રીમ કોર્ટ પેનલ
Supreme Court rape case Guidelines: સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કાર અને યૌન ઉત્પીડનના કેસોમાં અદાલતી ચુકાદાઓમાં ઉપયોગમાં લેવાતી ભાષાને લઈને એક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની પેનલે તૈયાર કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આવા કેસોમાં ચુકાદો આપતી વખતે ન્યાયાધીશોએ કયા શબ્દોના ઉપયોગથી દૂર રહેવું જોઈએ.
- Supreme Court rape case Guidelines: યૌન ગુનાઓના કેસોમાં ન્યાયાધીશોએ સંવેદનશીલ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ: સુપ્રીમ કોર્ટ પેનલ
- તટસ્થ અને પીડિત-કેન્દ્રિત શબ્દાવલી પર ભાર
- ‘પવિત્રતા ગુમાવી, વાસનાનો ભોગ’ જેવા શબ્દોનો ઉપયોગ નહીં
- ‘પીડિતો માટે ગૌરવપૂર્ણ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ’
- બળાત્કાર કેસમાં ભાષા અંગે અહેવાલ આપનાર પેનલ
- CJI સૂર્યકાંતની બેન્ચના નિર્દેશથી પેનલની રચના
- અદાલતને કેટલાક અન્ય શબ્દોથી પણ દૂર રહેવાની સલાહ
- મહિલાનું મૂલ્યાંકન તેના કપડાંના આધારે ન કરવું
જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની પેનલે ‘જજમેન્ટ એન્ડ જેન્ડર: સેન્સિટિવિટી એન્ડ કમ્પેશન ઇન રાઇટિંગ જજમેન્ટ્સ’ નામથી આ અહેવાલ દેશભરના 125 ટ્રાયલ કોર્ટના ચુકાદાઓના વિશ્લેષણના આધારે તૈયાર કર્યો છે.
તટસ્થ અને પીડિત-કેન્દ્રિત શબ્દાવલી પર ભાર
કુલ મળીને સમિતિએ ન્યાયતંત્રમાં બળાત્કાર અને યૌન ઉત્પીડનના કેસોમાં નવી ભાષાકીય વ્યવસ્થા વિકસાવવાની ભલામણ કરી છે, જે પરંપરાગત માનસિકતા અને કલંક દર્શાવતી શબ્દાવલીના સ્થાને તટસ્થ અને પીડિત-કેન્દ્રિત શબ્દાવલી પર ભાર મૂકે છે.
‘પવિત્રતા ગુમાવી, વાસનાનો ભોગ’ જેવા શબ્દોનો ઉપયોગ નહીં
પેનલના અહેવાલને અદાલતો માટે નવી માર્ગદર્શિકા તરીકે જોવામાં આવે તો તેમાં ન્યાયાધીશોને વિનંતી કરવામાં આવી છે કે ફરિયાદી મહિલા માટે ‘લાચાર, ગરીબ લાચાર સગીર, પવિત્રતા ગુમાવી, વાસનાનો ભોગ, શીલ અથવા મર્યાદાનો ભંગ, જીવન બરબાદ, બાળપણ બરબાદ, શરમ અને પવિત્રતા’ જેવા શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ.
‘પીડિતો માટે ગૌરવપૂર્ણ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ’
પેનલે ઉપરોક્ત શબ્દોના સ્થાને અદાલતોને આવા કેસોમાં ‘પીડિત, સર્વાઇવર, ફરિયાદી, યૌન હુમલો, યૌન ગુનો, યૌન હિંસા, શારીરિક સ્વાયત્તતાનું ઉલ્લંઘન અને શારીરિક સ્વાયત્તતા’ જેવા શબ્દોના ઉપયોગની સલાહ આપી છે, જે વધુ ગૌરવપૂર્ણ છે અને તેમના બંધારણીય અધિકારોને પણ અનુરૂપ છે.
બળાત્કાર કેસમાં ભાષા અંગે અહેવાલ આપનાર પેનલ
જસ્ટિસ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની આ સમિતિના અન્ય સભ્યોમાં:
- ગુજરાત હાઇ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સોનિયા ગોકાણી
- મધ્ય પ્રદેશના પૂર્વ ડીજીપી અનુરાધા શંકર
- સુપ્રીમ કોર્ટના વકીલ સુરત સિંહ
- માનવવિજ્ઞાની લકી ટીવી જેહોલ
નો સમાવેશ થાય છે.
CJI સૂર્યકાંતની બેન્ચના નિર્દેશથી પેનલની રચના
વાસ્તવમાં, યૌન ગુનાના એક કેસમાં ઇલાહાબાદ હાઇ કોર્ટની એક વિવાદાસ્પદ ટિપ્પણી પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની બેન્ચે સ્વયં સંજ્ઞાન લઈ 10 ફેબ્રુઆરી, 2026ના રોજ કેટલાક નિર્દેશો આપ્યા હતા. આ પેનલ અને તેની માર્ગદર્શિકા તેનું જ પરિણામ છે.
પેનલે પોતાની ભલામણમાં જણાવ્યું છે કે ન્યાયતંત્રની ભાષા માત્ર એક શૈલી નથી, પરંતુ તે ન્યાયને આકાર આપે છે. કારણ કે તેનાથી ન્યાયિક પ્રક્રિયા અંગે પીડિતોની માન્યતાઓ અને યૌન હિંસા અંગે સમાજની વિચારસરણી પ્રભાવિત થાય છે.
અદાલતને કેટલાક અન્ય શબ્દોથી પણ દૂર રહેવાની સલાહ
સમિતિએ ન્યાયાધીશો પાસેથી એવી પણ અપેક્ષા વ્યક્ત કરી છે કે તેઓ ‘વેશ્યા, પતિત સ્ત્રી, મિસ્ટ્રેસ, રાખેલ, કોલ ગર્લ, પ્રોસ્ટિટ્યૂટ’ જેવા શબ્દોનો ઉપયોગ ન કરે અને જો જરૂરી હોય તો ‘પાર્ટનર’ અને ‘સેક્સ વર્કર’ જેવા શબ્દોનો ઉપયોગ કરે.
સમિતિએ પીડિત પર દોષારોપણ કરવાની માનસિકતા સામે ખૂબ જ કડક દલીલો રજૂ કરી છે અને જણાવ્યું છે કે આવી કોશિશોથી પીડિતોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
મહિલાનું મૂલ્યાંકન તેના કપડાંના આધારે ન કરવું
સમિતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈપણ મહિલાનું તેના ‘કપડાંના આધારે મૂલ્યાંકન કરવું અથવા તેના ચરિત્ર, તેની શાલીનતા અથવા નૈતિકતા’ અંગે કોઈપણ પ્રકારનું મત વ્યક્ત કરવું સંસ્કારી સમાજ માટે અક્ષમ્ય અને અસ્વીકાર્ય છે.
તે જ રીતે ફોજદારી ન્યાય પ્રક્રિયા દરમિયાન તેને આવા પ્રશ્નોનો સામનો કરવો ન પડે કે ‘ચોક્કસ સમયે બહાર શા માટે હતી, ચોક્કસ પ્રકારના કપડાં શા માટે પહેર્યા હતા, કોઈ પુરુષ સંબંધિ સાથે શા માટે ન હતો’ વગેરે.

