T-72 T-90 APU Contract: ટેન્કો માટે APU ખરીદવા રક્ષા મંત્રાલયે કર્યો 586 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ, T-72 અને T-90ની ઓપરેશનલ તૈયારી થશે મજબૂત

Arati Parmar
2 Min Read

T-72 T-90 APU Contract: રક્ષા મંત્રાલયે ટેન્કો માટે પાવર યુનિટ ખરીદવા માટે 586 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ડિફેન્સ મિનિસ્ટ્રીએ સેનાની મિકેનાઈઝ્ડ યુનિટ્સની ઓપરેશનલ તૈયારીને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમાં T-72 અને T-90 ટેન્કો માટે ઓક્સિલરી પાવર યુનિટ (APU) ખરીદવા માટે એક ગ્રુપ સાથે 586 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. આ કોન્ટ્રાક્ટ નવી દિલ્હીમાં રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહની હાજરીમાં ‘એક્યુરેટ ઇન્ડસ્ટ્રિયલ કંટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ સાથે સાઇન કરવામાં આવ્યો છે.

APU ખરીદીને લઈને કોન્ટ્રાક્ટ

રક્ષા મંત્રાલય અનુસાર, APU ટેન્કના ફાયર કંટ્રોલ સિસ્ટમ, ફાયરિંગ સર્કિટ, ગન સ્ટેબિલાઈઝેશન સિસ્ટમ અને અન્ય સહાયક સિસ્ટમો માટે વીજળી ઉપલબ્ધ કરાવવાનો વૈકલ્પિક સ્ત્રોત છે. સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા APUના સમાવેશથી ભારતીય સેનાની મિકેનાઈઝ્ડ ફોર્મેશનની ઓપરેશનલ ક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબા ગાળાની કામગીરીની ક્ષમતા મજબૂત થશે.

- Advertisement -

T-72 અને T-90 ટેન્કને લઈને મોટો નિર્ણય

મંત્રાલયે જણાવ્યું કે T-72 અને T-90 ટેન્ક ભારતીય સેનાની મિકેનાઈઝ્ડ ફોર્સની કરોડરજ્જુ છે. APUની મદદથી યુદ્ધ દરમિયાન સર્વેલન્સ મોડ અથવા તાલીમના સમયે મુખ્ય એન્જિન બંધ રાખીને પણ ટેન્કની ફાયર કંટ્રોલ સિસ્ટમ અને અન્ય જરૂરી સાધનો ચલાવી શકાશે. તેનાથી મુખ્ય એન્જિનનું આયુષ્ય વધારવામાં અને ઈંધણની બચત કરવામાં પણ મદદ મળશે.

‘આત્મનિર્ભર ભારત’ વિઝન પર ફોકસ

નિવેદન અનુસાર, સ્વદેશી કંપનીને આપવામાં આવેલો આ ઓર્ડર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત વિઝન અનુસાર ટેન્કો માટે APU નિર્માણ ટેકનોલોજીમાં દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં ભવિષ્યમાં સ્થાનિક અને નિકાસ બજારમાં મોટા વ્યાવસાયિક અવસરો ઊભા કરવાની ક્ષમતા પણ છે.

- Advertisement -

મંત્રાલયે શા માટે લીધો આ નિર્ણય

ભારતીય સશસ્ત્ર દળો પાસે રહેલા T-72, T-90, અર્જુન ટેન્ક અને BMP વાહનોના મોટા કાફલાને કારણે APUની સતત જરૂરિયાત બની રહેશે. આવનારા વર્ષોમાં નવા ટેન્કોની સપ્લાય સાથે તેની માંગ વધુ વધવાની સંભાવના છે. મંત્રાલય અનુસાર, રશિયામાં નિર્મિત T-72 અને T-90 ટેન્કોનો ઉપયોગ કરતા અનેક દેશોમાં પણ ભારતમાં બનેલા APUની નિકાસની સંભાવના છે. પૂર્વ સોવિયત દેશો ઉપરાંત ઈરાન, ઈરાક અને ઇજિપ્ત જેવા દેશોની સેનાઓમાં પણ આ મુખ્ય યુદ્ધક ટેન્કો સામેલ છે.

- Advertisement -
Share This Article