નવી દિલ્હી, તા. 21 : એસસી-એસટીના અનામતમાં ક્રિમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ બુધવારે દેશભરમાં અનુસૂચિત જાતિના અને આદિવાસી સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા હતા અને ર1 ઓગસ્ટે 14 કલાકના ભારત બંધનું એલાન આપ્યું હતું જે મિશ્ર રહ્યું છે. બંધનું એલાન કરનાર સંગઠનોએ માગ કરી કે કેન્દ્ર સરકાર સુપ્રીમના આદેશને રદ કરે. બિહાર, ઝારખંડ સહિત અમુક રાજ્યમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. યુપી, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બંધની અસર જોવા મળી હતી તો અન્ય રાજયોમાં નહિવત અસર હતી. પટણામાં લાઠીચાર્જ વખતે એક પોલીસકર્મીએ ભૂલથી સ્થળ પર હાજર કલેક્ટરને ફટકાર્યા બાદમાં માફામાફી થઈ હતી.

ભારત બંધના એલાનમાં સંગઠનોનો એક વર્ગ વિરોધમાં અને બીજો તરફેણમાં હોવાથી મિશ્ર અસર વર્તાઈ હતી. બિહારમાં ટ્રેનો રોકવામાં આવી હતી, પટણામાં ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો. રાજસ્થાનમાં 16 જિલ્લામાં શાળાઓ સજ્જડ બંધ રહી હતી. પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી. નેશનલ કન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશને ચુકાદાને અંત્યજ અને આદિવાસીઓના બંધારણીય અધિકાર વિરુદ્ધ ગણાવ્યો છે. બિહારમાં ભારત બંધની સોથી વધુ અસર જોવાઈ હતી. આરા અને દરભંગામાં ટ્રેનો રોકવામાં આવી હતી. રસ્તા ઉપર ભાષણને કારણે જહાનાબાદ, સહરસા અને પુર્ણિયામાં ટ્રાફિકજામ સર્જાયો હતો.
ગોપાલગંજમાં એક સ્કૂલ બસને આગ ચાંપવાનો પ્રયાસ કરાયો હતો જેમાં ર0 બાળકો સવાર હતા. સદનસીબે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અંત્યજ અને આદિવાસી સંગઠનો પ્રેરિત ભારતબંધને કોંગ્રેસ, ટીએમસી, સપા, બસપા, આરજેડી, જેએમએમ સાથે એનડીએના સમર્થક લોજપા-રામવિસાલે પણ ટેકો આપ્યો હતો. રાજસ્થાનના ભરતપુરમાં ઈન્ટરનેટ બંધ કરાયું હતું. અલવરમાં રોડવેઝની બસો રોકવામાં આવી હતી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં શાળાઓ બંધ કરાવાઈ હતી. ઉજ્જૈનમાં પ્રદર્શનકારીઓ અને દુકાનદારો વચ્ચે રકઝક થઈ હતી. યુપીમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. આગરા કલેક્ટર કચેરી ઉપર બસપાનો ઝંડો ફરકાવાયો હતો.

