Weather Update: સમગ્ર દેશમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ લોકોને મોટી રાહત આપી છે. તોફાની પવનો અને વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ઉતરી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 8 મે સુધી વરસાદ અને પવનનો દોર જારી રહેશે. દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ હિમાલય અને તેની આસપાસના મેદાની વિસ્તારોમાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે ગરમીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો લાવશે.
દિલ્હી-NCR અને પર્વતીય વિસ્તારોમાં એલર્ટ
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. 8 મે સુધી અહીં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ, ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સાથે હિમવર્ષા થવાની પણ શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ બરફવર્ષા અને ગાજવીજ સાથે વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબ અને હરિયાણામાં પવનની ગતિ 70 કિમી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજસ્થાનમાં 4 મેના રોજ ધૂળની ડમરીઓ સાથે મોટું આંધિ તોફાન આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી
પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં કુદરતનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. આસામ, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર અને ઝારખંડમાં પણ આગામી એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે. બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે, જ્યારે ઓડિશામાં 50 થી 70 કિમીની ઝડપે ફૂંકાતા પવનો જનજીવનને અસર કરી શકે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની ધારણા છે, જેનાથી ખેડૂતોને પાક બાબતે સાવધ રહેવાની જરૂર પડશે.
દક્ષિણ ભારતમાં પણ મેઘમહેરની શક્યતા
માત્ર ઉત્તર કે પૂર્વ જ નહીં, પણ દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ મેઘરાજા મહેરબાન થશે. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 3 થી 8 મે દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. લક્ષદ્વીપમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. એકંદરે જોઈએ તો, આગામી પાંચ દિવસ સુધી આખું ભારત વિવિધ હવામાન પ્રણાલીઓની અસરમાં રહેશે, જેનાથી ગરમીમાં તો ઘટાડો થશે પરંતુ તોફાની પવન અને કરાને કારણે કેટલીક જગ્યાએ જાન-માલનું નુકસાન થવાની પણ ભીતિ છે. લોકોએ મુસાફરી કરતી વખતે અને બહાર નીકળતી વખતે હવામાનની લેટેસ્ટ અપડેટ મેળવીને સાવચેતી રાખવી જોઈએ.

