17 ભારતીય સાથેના જહાજ પર ઈરાનનો કબજો

newzcafe
4 Min Read

ભારત આવી રહેલા ઈઝરાયલના માલવાહક જહાજ એમએસસી એરીજ પર ઈરાની સેનાએ લશ્કરી કબજો કરતાં તંગદિલી વધી


દુબઈ/તહેરાન, તા. 13 : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે. દરમ્યાન, ઓમાનની ખાડીથી હોર્મુજ પાસ થઈ ભારત આવી રહેલા ઈઝરાયલના માલવાહક જહાજ એમએસસી એરીજ પર ઈરાનીસેનાએ લશ્કરી ઓપરેશનમાં કબજો કરતાં બંને દેશ વચ્ચેની તંગદિલી ચરમસીમાએ પહોંચી છે. આ જહાજના પચ્ચીસ ક્રૂ સભ્ય પૈકી 17 ભારતીય છે. આ ઘટનાની તુરંત બાદ ઈઝરાયલી સેનાના પ્રવક્તા ડેનિયાર હગારીએ જણાવ્યું હતું કે, અમે કોઈ પણ પ્રકારના હુમલા પર ચૂપ બેસશું નહીં, જડબાંતોડ જવાબ આપવામાં આવશે. ભારતે પણ પોતાના નાગરિકોના સલામત છુટકારા માટે ઈરાન સાથે સંપર્ક બનાવ્યો હતો. ઈરાની દૂતાવાસ પર હવાઈ હુમલાની જવાબી કાર્યવાહીની આશંકા વચ્ચે હિઝબુલ્લાહે ગઈ મોડી રાત્રે ઉત્તરી ઈઝરાયલ પર 40 જેટલી મિસાઈલો છોડી હતી. જો કે, ઈઝરાયલે પોતાની હાઈટેક સિસ્ટમથી મિસાઈલ હુમલો નિષ્ફળ બનાવ્યો હતો.  


 


બીજી તરફ બંને દેશમાં ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળવાના ભય વચ્ચે અમેરિકાએ ઈઝરાયલની વહારે ચડવા યુદ્ધ જહાજ તૈનાત કર્યાં હતાં. બંને દેશ વચ્ચે ઝડપભેર બગડી રહેલી સ્થિતિ વચ્ચે ઈરાની સેનાએ માલવાહક જહાજ પર કબજો કરતાં પરિસ્થિતિ એકદમ સંવેદનશીલ બની ગઈ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો  હતો, જેમાં હેલિકોપ્ટરમાંથી જહાજ પર ઊતરી રહેલા ઈરાની સૈનિક નજરે પડતા હતા. `અલજજીરા’ના અહેવાલ અનુસાર ઈરાનીસેના દ્વારા કબજે લેવાયેલું માલવાહક જહાજ ઝોડિયાક મેરિટાઈમ શિપિંગ કંપનીનું છે, જેનો માલિકીહક્ક ઈઝરાયલી ઉદ્યોગપતિ ઈયાલ ઓફેર પાસે છે. આ જહાજ પર 17 ક્રૂ સભ્ય ભારતીય હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. પચ્ચીસ પૈકીના 17 સભ્ય ભારતીય નાગરિક હોવાનું સામે આવ્યા બાદ ભારત રાજદ્વારી માર્ગોથી ઈરાનના સંપર્કમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જહાજ પર કુલ પચ્ચીસ ક્રૂ સવાર છે, જેમાં 17 ભારતીય, બે પાકિસ્તાની, ચાર ફિલિપાઈન્સના, એક રશિયન અને એક ઈસ્ટોનિયાઈ નાગરિક છે. ભારત સરકારના સૂત્રે જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે માલવાહક જહાજ `એમએસસી એરીજ’ ઈરાને પોતાના કબજામાં લીધું છે, તેના પર ક્રૂ સભ્યોમાં 17 ભારતીય નાગરિક છે. 


 


અમે રાજદ્વારી ચેનલથી ઈરાનિયન અધિકારીઓના સંપર્કમાં છીએ. ઉલ્લેખનીય છે કે, ઈરાને જે હોર્મુજ પાસથી ભારત આવી રહેલા જહાજ પર કબજો કર્યો ત્યાંથી દુનિયાનું 20 ટકા તેલ પસાર થાય છે. દરમ્યાન, વોશિંગ્ટનના હેવાલ મુજબ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી આશંકાને પગલે અમેરિકાએ બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. ગુપ્તચર સૂત્રોને ટાંકી દાવો કરાયો હતો કે, ઈરાન આગામી ર4 કલાકમાં ઇઝરાયલને નિશાન બનાવી હુમલો કરી શકે છે, જો આવું થયું તો અમેરિકા ઇઝરાયલની વહારે આવીને ઈરાન પર વળતો હુમલો કરી શકે છે. અમેરિકા અને ઇઝરાયલ બન્ને જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે. ગુપ્તચર સૂત્રો અનુસાર ઈરાન રવિવાર સુધીમાં ઇઝરાયલ પર હુમલો કરી શકે છે. તહેરાન ઇઝરાયલ પર અભૂતપૂર્વ જવાબી કાર્યવાહી કરવા ગંભીર છે, જેને પગલે સમગ્ર મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં માહોલ અત્યંત તંગ બન્યો છે. 


 


ભારત સહિત અનેક દેશોએ સંભવિત ખતરાને પગલે ઈરાનના એર સ્પેસમાંથી વિમાનોની ઉડાનો બંધ કરી છે. શુક્રવારે ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. ઇઝરાયલે તાજેતરમાં સીરિયાના દમાસ્કસમાં ઈરાનની એક ઇમારતને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, જેમાં ઇરાનના બે કમાન્ડર સહિત સાતનાં મૃત્યુ થયાં હતાં, જેની સામે ઈરાને બદલો લેવાની ધમકી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઈરાનને હુમલાનું દુસાહસ ન કરવા સૂચિત ધમકી સાથે યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયલને પૂર્ણ સમર્થનનું એલાન કર્યું છે. અમેરિકાએ સંભવિત સ્થિતિને પગલે વધારાનો શત્ર-સરંજામ રવાના કર્યો છે. અમેરિકી નેવીનાં સૂત્રો અનુસાર બે યુદ્ધ જહાજને પૂર્વ ભૂમધ્ય સાગરમાં તૈનાત કરાયા છે, જેમાં એક યુએસએસ કાર્ની છે, જે લાલ સાગરમાં હૂતી આતંકીઓનો સામનો કરવા તૈનાત હતું.

Share This Article