નવી દિલ્હી, તા. 1 : દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક ધ્યાન ખેંચનારા ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો હવેથી અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના અનામતમાં ફાળવાયેલા ટકાની અંદર અલગથી અનામતની વ્યવસ્થા લાગુ કરી શકશે. સુપ્રીમ કોર્ટે 20 વર્ષ જૂનો પોતાનો જ ફેંસલો પલટતાં 6-1ની બહુમતી સાથે આ આદેશ આપ્યો હતો. મતલબ એ થયો કે, રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને જનજાતિના ક્વોટામાં ક્વોટાનો લાભ જાતે નક્કી કરી શકશે.

રાજ્ય વિધાનસભા સબ કેટેગરી માટે કાયદો બનાવવા સક્ષમ હશે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ બી. આર. ગવઇ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશચંદ્ર શર્માની ખંડપીઠે આ મહત્ત્વનો ફેંસલો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પછાત વર્ગના સમુદાયોમાં હાંસિયામાં રહેલા લોકો માટે અલગથી ક્વોટા આપવા માટે એસસી/એસટીની સબ કેટેગરી યોગ્ય?છે. જો કે, જસ્ટિસ બેલા ત્રિવેદીએ અસહમતી દર્શાવી હતી. ટોચની અદાલતે આ ફેંસલો એવી અરજીઓ ધ્યાને લેતાં આપ્યો છે, જેમાં જણાવાયું છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં અનામતનો લાભ આ વર્ગમાં સામેલ અમુક જ જાતિને મળતો હોવાથી અનેક જાતિઓ પાછળ રહી ગઇ છે.
આ ચુકાદાની સાથોસાથ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને ચેતવતાં જણાવ્યું હતું કે, સરકારો પોતાની મરજી ફાવે તેમ ફેંસલો નહીં લઇ શકે. બે શરતો હશે. પહેલી શરત એ કે, અનુસૂચિત જાતિ, જનજાતિની અંદર કોઇ એક જ જાતિને 100 ટકા અનામત નહીં આપી શકાય. બીજી શરતમાં કોઇપણ જાતિનો ક્વોટા નક્કી કરવાથી પહેલાં તેની હિસ્સેદારીના નક્કર આંકડા હોવા જોઇએ. અરજીઓમાં જણાવાયું હતું કે, કેટલીક જાતિઓને જ અનામતનો લાભ મળે છે. આમ, ક્વોટામાં ક્વોટાનો લાભ મળતો થાય તો અત્યાર સુધી આ જોગવાઇથી વંચિત રહેલી જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, સબ કેટેગરીને જે-તે જાતિની યાદીમાંથી બહાર રખાઇ નથી. તે હકીકત ધ્યાનમાં રાખતાં ક્વોટામાં એ બંધારણની કલમ 14નો ભંગ કરતો નથી. એ પાયાની હકીકત નકારી ન શકાય કે એસસી, એસટીની અંદર એવી જાતિઓ છે, જેમને સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડયો છે, તેવું જસ્ટિસ બી.આર. ગવઇએ કહ્યું હતું. ન્યાયમૂર્તિ શર્માએ જણાવ્યું હતું કે, એસસી, એસટીમાં ક્રિમીલેયર (સંપન્ન વર્ગ)ની ઓળખનો મુદ્દો રાજ્ય માટે બંધારણીય અનિવાર્યતા બની જવો જોઇએ તેવી ન્યાયમૂર્તિ ગવઇની વિચારધારા સાથે સહમત છું.

