કન્ટેનરોની અછતથી શિપિંગ ઉદ્યોગકારોની કચ્છમાં હાલત કફોડી

Reena Brahmbhatt
3 Min Read

ગાંધીધામ, તા. 5 : રાતા સમુદ્રમાં ચાલી રહેલી તણાવજનક સ્થિતિને કારણે દેશભરની આયાત-નિકાસને અસર પહોંચી છે. આ સ્થિતિમાંથી શિપિંગ ઉદ્યોગકારો સમસ્યાઓનો સ્વીકાર કરી મંદગતિએ આગળ વધ્યા છે. છેલ્લા કેટલાક સમયથી કચ્છના બંદરેથી માલ આયાત-નિકાસ કરવા માટેના કન્ટેનરોની અછત ઊભી થઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. આ સંજોગોમાં કચ્છના શિપિંગ ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. રાતા સમુદ્રમાં તણાવજનક સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી યથાવત છે, જેને કારણે માલવાહક જહાજો સાઉથ આફ્રિકા થઈ યુરોપ દેશોમાં 40થી 45 દિવસ પહોંચી છે. નવા રૂટના કારણે માલની હેરફેરમાં સમય લાગવા સાથે તેના દરોમાં પણ વધારો થયો છે.

container

- Advertisement -

મહિનાઓથી ચાલતી આ પરિસ્થિતિની અસર કચ્છ અને દેશભરમાં આયાત-નિકાસમાં અસર જોવા મળી છે. સ્થાનિક કન્ટેનરોની અછત હોવાની વાતને સમર્થન આપતાં ગાંધીધામ થ્રીવીબી શિપીંગના વિશાલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મોટી-મોટી કન્ટેનર લાઈનોએ ચીન બાજુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેણે કન્ટેનરોના ભાડામાં માતબર રકમનો વધારો કર્યો છે. આ ભાવવધારો સતત વધી રહ્યો છે. કન્ટેનરોની અછતના કારણે ભાવ ઊંચકાયો છે. પરિણામે સરેરાશ 50-60 ટકા વેપારને અસર પડી છે.

એગ્રી કોમોડીટીના માલને બ્રેક લાગી છે. પોતાનો અનુભવ વર્ણવતાં ચેમ્બરના ઉપપ્રમુખ દીપકભાઈ પારેખે જણાવ્યું હતું કે, 2200 ડોલરમાં એક કન્ટેનર બૂક કરાવ્યું હતું. આ ઓર્ડરના થોડી ક્ષણોમાં નવો ઓર્ડર નોંધાવતાં કન્ટેનરોનો ભાવ 6500 ડોલરે પહોંચ્યો હતો. આ દરો સતત વધી રહ્યા છે. જેને કારણે આયાત-નિકાસ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. ગાંધીધામની નિધિ શિપિંગના ધીરેનભાઈ રાજદેનો સંપર્ક કરતાં કહ્યું હતું કે, અમેરિકા દ્વારા ચાઈનીઝ ચીજવસ્તુઓ ઉપર ડયૂટી વધારવાના મુદ્દે ચાઈના ઉત્પાદકો દ્વારા યુ.એસ.માં માલ પહોંચાડવા માટે ચારથી પાંચ ઘણા ઊંચા ભાવવધારા સાથે કન્ટેનરો બૂક કરાવવાનું શરૂ કર્યું છે, જેને કારણે મોટાભાગની શિપિંગ લાઈનોએ પોતાના કન્ટેનરો અને વેસલ ભારતમાંથી ચીન બાજુએ મોકલી આપ્યાં છે, જેથી કૃત્રિમ અછત ઊભી થઈ છે. અગામી દોઢથી બે મહિના સુધી સ્થિતિમાં ફેરફાર આવે તેવું લાગતું નથી. શિપિંગ ઉદ્યોગકારોની ચર્ચા અનુસાર અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ એન્ટી ડમ્પિંગ ડયૂટીમાં વધારો થવાના કારણે ચીન અને વિયેતનામ દ્વારા હાલ વિશ્વભરમાંથી કન્ટેનરો એકત્રિત કરીને વધારા પહેલાં યુ.એસ. માલ પહોંચતો કરવાની રણનીતિ બનાવવામાં આવી છે.

- Advertisement -

આ રણનીતિની અસર અહીં વર્તાઈ છે. હાલ લાકડાંની આયાત કરવામાં આવી છે. ઓશીયન ફેરના તોતિંગ વધારાના ચૂકવણા પછી વિલંબથી પહોંચે છે. બાદમાં કિંમતમાં ઘટાડો થવાની શક્યતાના કારણે ટિમ્બર ઉદ્યોગકારો માલ મગાવવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે, તો બીજી બાજુ યુરોપ પણ ચીનના માલ ઉપર ડયૂટીનો વધારો કરશે, તેવી પણ ચર્ચા ચાલી રહી છે. વધુમાં ઉદ્યોગકારોએ ઉમેર્યું હતું કે, કંડલા અને મુંદરાના પોર્ટ ઉપર કન્ટેનર હેન્ડલિંગના અંાકડા ઉપર અસર વર્તાઈ નથી.

Share This Article