અમદાવાદ, તા. 19 : ડ્રગ્સ, કેફી દ્રવ્ય, માદક પદાર્થ… આ શબ્દો અને લાખો યુવાનને બરબાદ કરવા માટેના ઘાતક ષડયંત્રએ ગુજરાત અને દેશની સુરક્ષા એજન્સીઓ માટે ગંભીર ચિંતા જગાવી છે. કચ્છ અને ગુજરાતનો સાગરકાંઠો કરોડો-અબજોનું ડ્રગ્સ ઊલેચતો આવ્યો છે. એટીએસ, કોસ્ટગાર્ડ, સીમાદળ જેવી એજન્સીઓની સજાગતાથી જંગી જથ્થો ઝડપાયો છે. આમ છતાં કચ્છના સમુદ્ર તટ પરથી જુદા-જુદા વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો છૂટોછવાયો જથ્થો પકડાતો રહ્યો છે. કેન્દ્રીય અને સ્ટેટ એજન્સીઓ ડ્રગ્સમાફિયાઓનું નેટવર્ક તોડી પાડવા ઊંધે માથે પડેલી છે. તલસ્પર્શી તપાસની ફળશ્રુતિરૂપે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવાના કારોબારમાં મુખ્ય ભેજાં તરીકે પાક.-અફઘાન સાથે સંબંધ ધરાવતા સલીમ હાજીના નામનો ઘટસ્ફોટ થયો છે.

અફઘાનિસ્તાનમાં રહી પાકિસ્તાનમાં નાની-મોટી ડ્રગ્સની ખેપ કરનારો સલીમ હાજી આજે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. મૂળ અફઘાની સલીમ હાજીનું મૂળ નામ કનેઘી શેખ છે. મૂછનો દોરો ફૂટયો ત્યારે એ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આજે ભારતના દરિયાઈ માર્ગે આવતા મોટા ભાગના નશીલા પદાર્થો હાજી સલીમ પહોંચાડી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠા છેલ્લા થોડા દિવસથી પકડાઈ રહેલાં ડ્રગ્સને કારણે ગુજરાત સહિત દિલ્હીની સુરક્ષા એજન્સીએ ગુજરાતમાં ધામ નાખ્યા છે. ગુજરાત આવેલા એન.આઈ.એ.ના એક ઉચ્ચ અધિકારીએ જન્મભૂમિપત્રો સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, અફઘાનિસ્તાનનો કનેઘી શેખ લગભગ 22 વર્ષની ઉંમરનો હતો, ત્યારે એ અફઘાનિસ્તાનથી પાકિસ્તાન ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ત્યારબાદ એણે જોયું કે, ડ્રગ્સની હેરાફેરીમાં ખાસ્સા પૈસા છે, એટલે એણે 2016થી બલુચિસ્થાનના ગ્વાદર બંદરને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવ્યું, કારણ કે, કારગીલ યુદ્ધ સમયે ચર્ચામાં આવેલાં આ ગ્વાદર બંદર પર ત્યારબાદ અફઘાની લોકોની સંખ્યા વધી છે. આ લોકો માછીમારીમાં પડયા અને એ પછી કનેઘી શેખે ગ્વાદરને ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર બનાવી દીધું. એણે જોયું કે, અહીંથી ઓમાન અને ઈરાન પણ નજીક પડે છે, ઓમાન અને ઈરાનથી ઘણો સમાન મોટી શિપમાં ભારત અને શ્રીલંકા તરફ જાય છે.
આ દરમ્યાન એ હજ કરી આવ્યો અને પોતાનું નામ હાજી સલીમ રાખ્યું, હાજી હોવાથી લોકો એના ભરોસામાં ઝડપથી આવી જતા હતા. આ અધિકારી કહે છે, ઓછું ભણેલો કનેઘી શેખ ઉર્ફે હાજી સલીમ દરિયાથી જાણકાર હતો અને એણે 1990-91માં થતી તસ્કરીનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું અને એ દાઉદના શરણમાં પાકિસ્તાન ગયો. હાજી સલીમને અનેક વખત દાઉદના કરાચી સ્થિત સેક્ટર `બી’ના સ્ટ્રીટ નંબર-30ના ક્યૂમાંબદના ઘર પાસે જોવા મળ્યો છે. એણે દાઉદના નકશેકદમ પર મોટી શિપમાં ડ્રગ્સ મૂકી મધદરિયે નાની માછીમારી બોટ દ્વારા ભારત અને શ્રીલંકા મોકલવાનું નેટવર્ક શરૂ કર્યું અને ભારત અને શ્રીલંકામાં જતું 70 ટકા ડ્રગ્સ હાજી સલીમ મારફતે મોકલાય છે, એના માટે એને ખાસ સેટેલાઇટ ફોન રાખ્યા છે અને ઝોડિયાક સાઈન પરથી પાસવર્ડ બનાવ્યા છે. અહીં એ નોંધનીય છે કે, ગયા વર્ષે ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ જુદી-જુદી એજન્સીઓ સાથે મળીને એક વર્ષમાં 40 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું હતું. એ સંદર્ભે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને અંડરવર્લ્ડનું કનેક્શન બહાર આવ્યું. તેમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય માથું હાજી સલીમ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

