Iran US Conflict 2026: અમેરિકી હુમલાની આશંકા વચ્ચે ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. ઈરાને ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) જાહેર કર્યું છે, જેમાં હોર્મુઝની સામુદ્રધુની પાસે લાઈવ-ફાયર મિલિટરી એક્ટિવિટીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અમેરિકી સૈન્ય સંસાધનો મિડલ ઈસ્ટ પહોંચ્યાના ગણતરીના કલાકો બાદ થઈ છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન પહેલાથી જ મિડલ ઈસ્ટમાં દાખલ થઈ ચૂક્યું છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે બીજું એરક્રાફ્ટ કેરિયર પણ રવાના થઈ ગયું છે. ઈરાની સેના ૨૭ થી ૨૯ જાન્યુઆરી સુધી આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે.
ઈરાનનો ગ્લોબલ બિઝનેસ પર દબાણ લાવવાનો દાવ
ઈરાન દ્વારા જાહેર કરાયેલા નોટમ મુજબ, નક્કી કરાયેલા વિસ્તારમાં ૨૫,૦૦૦ ફૂટ સુધીની ઊંચાઈ સુધી એરસ્પેસ પ્રતિબંધિત રહેશે. હોર્મુઝની સામુદ્રધુની વૈશ્વિક વેપાર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે, જ્યાંથી દરરોજ લાખો બેરલ ક્રૂડ ઓઈલ પસાર થાય છે. માનવામાં આવે છે કે આ સૈન્ય અભ્યાસ દ્વારા ઈરાન વૈશ્વિક સમુદાયને ચેતવણી આપવા માંગે છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તે વૈશ્વિક કારોબારને ઠપ્પ કરી દેશે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની આશંકા
અમેરિકી એરફોર્સ સેન્ટ્રલ (AFCENT) એ પણ મિડલ ઈસ્ટમાં સૈન્ય અભ્યાસની જાહેરાત કરી છે. અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેહરાન સામે લશ્કરી કાર્યવાહી સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે. બીજી તરફ, ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોઈપણ હુમલાનો “ઝડપી અને વિનાશક” જવાબ આપવામાં આવશે.
અમેરિકાની સૈન્ય તૈયારીઓ:
USS અબ્રાહમ લિંકન: ૫,૦૦૦ સૈનિકો અને ડઝનબંધ ફાઈટર જેટ્સ સાથે મિડલ ઈસ્ટ પહોંચી ચૂક્યું છે.
ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર: કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની સુરક્ષા માટે એર ડિફેન્સ તૈનાત છે.
F-15E સ્ટ્રાઈક ઈગલ: અમેરિકાએ આ ઘાતક ફાઈટર જેટ્સનું આખું સ્ક્વોડ્રન મોકલ્યું છે.
UK નો સાથ: બ્રિટને પણ પોતાની સુરક્ષા ક્ષમતા વધારવા માટે ટાયફૂન લડાયક વિમાનો આ વિસ્તારમાં મોકલ્યા છે.
ઈરાનનું કડક વલણ અને પડોશી દેશોની ભૂમિકા
ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, “આ વખતે અમે કોઈપણ પ્રકારના હુમલાને ઈરાન સામેનું પૂર્ણ યુદ્ધ માનીશું અને તેનો આકરો જવાબ આપીશું.” ઈરાનમાં અત્યારે બધું જ ‘હાઈ એલર્ટ’ પર છે. આ દરમિયાન સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ઈરાનને ભરોસો આપ્યો છે કે તેઓ તેમની એરસ્પેસ કે દરિયાઈ સીમાનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે થવા દેશે નહીં.

