China-Japan Taiwan Conflict: ચીન-જાપાન વચ્ચે તણાવ: ‘તાઇવાન’ મુદ્દો બની શકે છે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ; લશ્કરી ટકરાવની ૩ મોટી સંભાવનાઓ

Arati Parmar
3 Min Read

China-Japan Taiwan Conflict: તાઇવાનના મુદ્દે જૂના દુશ્મન ચીન અને જાપાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધેલો છે. તાઇવાન પર જાપાનના નિવેદનથી શરૂ થયેલી મૌખિક જંગ યુદ્ધની ધમકી સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એશિયાની આ બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચેનું એક ખોટું પગલું લશ્કરી ટકરાવ શરૂ કરી શકે છે. જો આવું થયું તો આ ટકરાવ આ બે દેશોથી આગળ વધતાં વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ આવી ત્રણ સંભાવનાઓ પર વાત કરી છે.

ઉપ્સાલા યુનિવર્સિટીના પ્રોફેસર અશોક સ્વેન એ કહ્યું છે કે, “જોકે બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકા ઓછી છે, પરંતુ પરિસ્થિતિ બગડવાની શક્યતાને નકારી શકાય નહીં.”

તાઇવાન પર બંને દેશોનું કડક વલણ

 

આર્મી એનાલિસ્ટ ફિલિપ ઇન્ગ્રામ એ કહ્યું કે જાપાન આ વિસ્તારમાં તાકાત બતાવવા માટે પોતાની લશ્કરી ક્ષમતા વધારી રહ્યું છે. જાપાન હાલમાં તે કરી રહ્યું છે, જે તેણે બીજા વિશ્વયુદ્ધ પછી કર્યું નથી. બીજી તરફ, ચીન પહેલેથી જ આર્મી પર ભારે ખર્ચ કરી રહ્યું છે અને તાઇવાન પર કડક વલણ ધરાવે છે.

પ્રોફેસર સ્વેનએ ત્રણ સંભાવનાઓ વિશે વાત કરી છે, જેને બેઇજિંગ અને ટોક્યો બંને રેડ લાઇન તરીકે જોશે. આ ત્રણ એવી સ્થિતિ છે, જેમાં ચીન અને જાપાન આમને-સામને આવી શકે છે અને સંપૂર્ણ યુદ્ધ ફાટી નીકળી શકે છે:

વિશ્વ યુદ્ધની ત્રણ સંભવિતતાઓ

 

૧. ફાઇટર જેટ ક્લેશ / જહાજોની ટક્કર:

પ્રોફેસર સ્વેનનું કહેવું છે કે ચીન-જાપાનમાં યુદ્ધ ભડકાવનારી ઘટનાઓમાં ફાઇટર જેટ ક્લેશ અથવા સામુદ્રિક જંગી જહાજોની ટક્કર સામેલ છે. આવી સ્થિતિમાં રાજકારણીઓના હસ્તક્ષેપ પહેલાં જ ગોળીબાર શરૂ થઈ ચૂક્યો હોય છે અને તણાવને રોકવો મુશ્કેલ બની જાય છે.

૨. ગેરસમજ અથવા દુર્ઘટના (Accident):

બીજી સંભાવના કોઈ ખોટી ગેરસમજ અથવા અકસ્માત હોઈ શકે છે, જેમાં કોઈ પાઇલટનો ખોટો રસ્તો લેવો પણ સામેલ છે. આવી સ્થિતિમાં બંને દેશો તરફથી લશ્કરી કાર્યવાહી થતાં વસ્તુઓ નિયંત્રણ બહાર થઈ જાય છે. ૧૯૩૭ માં થયેલો માર્કો પોલો બ્રિજ અકસ્માત આવો જ હતો, જેને બીજા ચીન-જાપાન યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે.

૩. તાઇવાન પાસે જાપાન દ્વારા શસ્ત્રોની તૈનાતી:

ત્રીજી સંભાવના ચીન માટે વધુ એક રેડ લાઇન છે – જાપાન દ્વારા તાઇવાનની પાસે શસ્ત્રો તૈનાત કરવા. તાઇવાનની જમીન પાસે કે તેના પર હથિયાર હોવા પર ચીન કડક અને તાત્કાલિક લશ્કરી જવાબ આપશે. જાપાન દ્વારા તાઇવાનમાં મિસાઇલ તૈનાતી નિશ્ચિતપણે લશ્કરી ટકરાવ તરફ દોરી જશે.

અન્ય દેશોનો પ્રવેશ અને વિશ્વ યુદ્ધ

 

નિષ્ણાતનું કહેવું છે કે જો આ લડાઈ ફેલાય, તો જાપાનને સુરક્ષાનું વચન આપવાના કારણે અમેરિકા જંગમાં ખેંચાઈ જનારો પહેલો દેશ હશે. આવું યુએસ-જાપાન સિક્યોરિટી ટ્રીટી ને કારણે થશે, જેમાં વોશિંગ્ટને ટોક્યોની રક્ષાનું વચન આપ્યું છે.

  • રશિયા-ઈરાનનો પ્રવેશ: રશિયા અને ચીન વચ્ચે કોઈ નાટો સ્ટાઇલનો ડિફેન્સ એગ્રીમેન્ટ નથી, પરંતુ ઊંડો વ્યૂહાત્મક સંબંધ છે. ઘણા નિષ્ણાતો માને છે કે રશિયન સેના ચીનની રક્ષામાં મદદ કરશે.

  • આ સંઘર્ષમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુરોપ પર હુમલાની તક શોધી શકે છે.

  • ઈરાન અને ઉત્તર કોરિયા પણ રશિયા-ચીનને સપોર્ટ આપી શકે છે. આનાથી આ લડાઈ ત્રીજા વિશ્વયુદ્ધ નું સ્વરૂપ લઈ લેશે.

Share This Article