પેરિસ,તા.8 દેશ આખાની આશ જેના પર હતી એ ગોલ્ડન બોય નીરજ ચોપરાએ આજે અહીં પેરિસ ઓલિમ્પિકમાં પણ શાનથી ત્રિરંગો લહેરાવ્યો હતો. નીરજ સ્વર્ણિમ દેખાવનું પુનરાવર્તન તો કરી શક્યો નહોતો પણ મજબૂત દેખાવ સાથે રજત ચંદ્રક જીત્યો હતો અને ભારતના ઈતિહાસમાં ઓલિમ્પિકમાં એક સુવર્ણ અને એક રજત ચંદ્રક જીતનારો તે પહેલો ખેલાડી બન્યો હતો. તેણે આજે 89.4પ મીટરનો થ્રો ફેંક્યો હતો. પાકિસ્તાનના નદીમ અરરફે 92.97 મીટરના થ્રો સાથે સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો અને નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

નીરજના છ પૈકી પાંચ પ્રયાસ ફાઉલ થયા હતા પણ તેનો બીજો થ્રો નિર્ણાયક સાબિત થયો હતો. આજની ભાલા ફેંકની સ્પર્ધા ખરેખર સ્પર્ધાત્મક સાબિત થઈ હતી અને ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 88.પ4 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નદીમે પોતાના બીજા થ્રોમાં 92.97 મીટરનું અંતર પાર કરીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે નોર્વેના એડ્રિયાસ થોરકિલ્ડસેનનો વિક્રમ તોડયો હતો. એડ્રિયાસે 2008ના બીજીંગ ઓલિમ્પિકમાં 90.પ7 મીટરના અંતરનો થ્રો કર્યો હતો. નીરજે બીજા થ્રોમાં સારું પ્રદર્શન કર્યું હતું અને 89.4પ મીટરનું અંતર કાપ્યું હતું અને બીજા સ્થાને આવી ગયો હતો. જોકે,નીરજનો ત્રીજો થ્રો પણ ફાઉલ થયો હતો અને તેના પછી ભારતીય રમતવીરનો ચોથો થ્રો પણ ફાઉલ થયો હતો.
લયમાં ન હોય તેમ ચોપરાનો પાંચમો થ્રો પણ ફાઉલ થતાં ભારતીય દર્શકોમાં થોડી નિરાશા ફેલાઈ હતી. નદીમે આખરી થ્રોમાં 91.97 મીટરનું અંતર કાપ્યું હતું. જેકબ વાર્ડલેચ નામના ખેલાડીએ પ્રથમ થ્રો કર્યો હતો જેનું અંતર 84.70 મીટર રહ્યું હતું. એન્ડરસન પીટર્સે 80.15 મીટરનું અંતર કાપ્યું હતું. પાકિસ્તાનના અર્શદ નદીમનો પહેલો પ્રયાસ ફાઉલ થયો હતો. દેશભરની નજર જેના પર હતી એ નીરજ પ્રથમ પ્રયાસમાં પગ લાઈનને અડી જતા ફાઉલ થયો હતો.

