US Deference Policy Impact: ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોની મુશ્કેલી વધી, H-1B કર્મચારીઓ માટે ‘ડિફરન્સ પોલિસી’ સમાપ્ત કરવાની તૈયારીમાં ટ્રમ્પ સરકાર

Arati Parmar
6 Min Read

H-1B વિઝા એક્સટેન્શનની પ્રક્રિયા બદલાશે, ભારતીય પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડની રાહ વધુ મુશ્કેલ બની શકે

US Deference Policy Impact: અમેરિકામાં રહેતા અને કામ કરતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે H-1B વિઝાનું એક્સટેન્શન માત્ર કાગળની કાર્યવાહી નથી, પરંતુ જીવનરેખા સમાન છે. એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ માટેનો બેકલૉગ એટલો મોટો છે કે કર્મચારીઓને કાયમી નિવાસ મેળવવામાં દાયકાઓ લાગી શકે છે. આ જ કારણ છે કે ભારતીય કર્મચારીઓએ કાયમી નિવાસ મળવાની રાહ જોતી વખતે પોતાનો કાનૂની દરજ્જો જાળવી રાખવો પડે છે. આ ત્યારે જ શક્ય છે, જ્યારે તેમને વારંવાર વિઝાનું રિન્યુઅલ મળતું રહે.

જોકે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના એક પ્રસ્તાવિત ફેરફારે ભારતીયોની ચિંતા વધારી દીધી છે. તેમને પોતાના ભવિષ્ય અંગે પણ ચિંતા થઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) અને USCISએ ‘ડિફરન્સ ટુ પ્રાયર અપ્રૂવલ્સ’ નામની એક મહત્ત્વપૂર્ણ ઇમિગ્રેશન નીતિ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં આ પ્રસ્તાવ પર 13 નવેમ્બર, 2026 સુધી લોકોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. જોકે, આ હજુ અંતિમ નિયમ નથી, પરંતુ જો તેને લાગુ કરવામાં આવે તો H-1B એક્સટેન્શનની સમીક્ષા કરવાની પદ્ધતિમાં મૂળભૂત ફેરફાર થઈ શકે છે.

- Advertisement -

‘ડિફરન્સ પોલિસી’ શું છે અને તેમાં શું ફેરફાર થઈ શકે છે?

ડિસેમ્બર 2024માં લાગુ થયેલા વર્તમાન નિયમો હેઠળ, જ્યારે USCIS એવી કોઈ વિઝા એક્સટેન્શન અરજીની પ્રક્રિયા કરી રહ્યું હોય, જેમાં એ જ કંપની, એ જ કર્મચારી અને એ જ હકીકતો સામેલ હોય, ત્યારે તે સામાન્ય રીતે ‘ડિફરન્સ’ નીતિ અપનાવે છે. તેનો અર્થ એ છે કે ઇમિગ્રેશન અધિકારીઓ અગાઉના નિર્ણયને ઘણું મહત્ત્વ આપે છે. તેઓ એવું માનીને ચાલે છે કે અગાઉની મંજૂરી યોગ્ય હતી, જ્યાં સુધી તેમાં કોઈ મોટી ભૂલ ન હોય, કોઈ મહત્ત્વપૂર્ણ ફેરફાર ન થયો હોય અથવા કોઈ નવી નકારાત્મક માહિતી સામે ન આવી હોય. જો નવો પ્રસ્તાવ લાગુ થઈ જાય તો આ શરત સમાપ્ત થઈ જશે.

જોકે, USCIS અધિકારીઓ હજુ પણ અગાઉની મંજૂરી જોઈ શકશે, પરંતુ હવે તેમના માટે તેને ‘ડિફરન્સ’ એટલે કે વિશેષ મહત્ત્વ આપવું જરૂરી નહીં હોય. હવે દરેક રિન્યુઅલને અગાઉથી મંજૂર માનવાને બદલે પાત્રતાની નવી તપાસ તરીકે જોવામાં આવશે. વિઝા એક્સટેન્શન પહેલાં તપાસ કરવામાં આવશે કે શું આ નોકરી સ્પેશિયાલિટી ઑક્યુપેશનના દાયરામાં આવે છે, પગારનું સ્તર કેટલું છે અને કંપની તથા કર્મચારી વચ્ચેનો સંબંધ કેવો છે. કુલ મળીને આ તમામ બાબતોની ફરીથી સમીક્ષા કરવામાં આવશે.

- Advertisement -

સરકાર ‘ડિફરન્સ પોલિસી’ કેમ બદલવા માગે છે?

ટ્રમ્પ સરકારનો તર્ક છે કે વર્તમાન ‘ડિફરન્સ પોલિસી’ ઇમિગ્રેશન અધિકારીઓના હાથ બાંધી દે છે, જેના કારણે તેઓ અરજીઓની ખુલ્લી રીતે તપાસ કરી શકતા નથી. DHSના જણાવ્યા અનુસાર, વર્તમાન નિયમને કારણે અગાઉ આપવામાં આવેલી ખોટી મંજૂરીઓ આગળ પણ ચાલુ રહી શકે છે અને તેના કારણે એવું વાતાવરણ ઊભું થાય છે, જેમાં છેતરપિંડીવાળી અથવા લાયકાત વગરની અરજીઓ તપાસ વિના મંજૂર થઈ જાય છે.

આ ઉપરાંત, સરકારનો દાવો છે કે આ નીતિ પુરાવા રજૂ કરવાની જવાબદારી અરજદાર પાસેથી હટાવીને USCIS અધિકારી પર નાખે છે. આવી સ્થિતિમાં અધિકારીએ કોઈ જૂના નિર્ણયથી અલગ થઈને નવો નિર્ણય લેતી વખતે તેનું કારણ આપવું પડે છે. અધિકારીઓનો તર્ક છે કે આ નીતિ દૂર કરવાથી એ સુનિશ્ચિત થશે કે અધિકારીઓ દરેક કેસની હકીકતોની સંપૂર્ણ સમીક્ષા કરે, જેથી ખાતરી થઈ શકે કે અરજદાર હજુ પણ પાત્રતાની શરતો પૂરી કરે છે.

- Advertisement -

ભારતીયો પર શું અસર થશે?

  • નાણાકીય વર્ષ 2025માં H-1B વિઝા મેળવનારાઓમાં આશરે 71% ભારતીયો હતા. આ કારણે વર્ક વિઝા એક્સટેન્શનની પ્રક્રિયામાં થનારા કોઈપણ ફેરફારની સૌથી વધુ અસર ભારતીયો પર જ પડશે.

  • ‘નેશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પોલિસી’ (NFAP)ના વિશ્લેષણ અનુસાર, આશરે 10 લાખ ભારતીયો અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડના બેકલૉગમાં ફસાયેલા છે.

  • અંદાજ મુજબ, જો કોઈ ભારતીય પ્રોફેશનલ આજે ગ્રીન કાર્ડની લાઇનમાં જોડાય છે, તો તેને EB-2 કેટેગરીમાં 179 વર્ષ અને EB-3 કેટેગરીમાં 38 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે.

  • જે કર્મચારીઓ ત્રણ વર્ષના AC21 એક્સટેન્શન દ્વારા એક દાયકા કે તેથી વધુ સમયથી કામ કરી રહ્યા છે, તેમના માટે હવે એવું માની લેવું યોગ્ય નહીં હોય કે અગાઉ મળેલી મંજૂરી આગળ પણ માન્ય રહેશે.

  • દરેક વખતે રિન્યુઅલ સમયે તેમની મુખ્ય લાયકાત, સ્પેશિયાલિટી ઑક્યુપેશન, પગારનું સ્તર અને કંપની સાથેના તેમના સંબંધોની ફરીથી ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે.

ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે સૌથી મોટો ખતરો તાત્કાલિક અરજી નામંજૂર થવાનો નહીં, પરંતુ પ્રક્રિયામાં થનારા લાંબા વિલંબનો છે. ‘રિક્વેસ્ટ ફૉર એવિડન્સ’ (RFE) એટલે કે પુરાવા માગવાના કેસોમાં ભારે વધારો થવાથી વિઝા એક્સટેન્શન અંગે નિર્ણય આવવામાં 240 દિવસથી વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં, ભલે કોઈનું I-140 અરજી મંજૂર થઈ ગયું હોય, તેમ છતાં કર્મચારીએ પોતાનું કામ અટકાવવું પડી શકે છે.

એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD)ના ઑટોમેટિક એક્સટેન્શનની સુવિધા સમાપ્ત થવાને કારણે H-4 વિઝા પર નિર્ભર જીવનસાથીઓને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેઓ પણ એ જ લાંબી વહીવટી પ્રક્રિયામાં ફસાયેલા છે, જેના કારણે તેમના વર્ક ઑથોરાઇઝેશનની માન્યતા સમાપ્ત થવાનું જોખમ રહે છે.

Share This Article