US Helicopter Crash: અમેરિકામાં ફરી એકવાર ભયાનક અકસ્માત થયો છે. ગુરૂવારે (7 ઓગસ્ટ) અમેરિકાના ઇલિનોઇસમાં મિસિસિપી નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ અકસ્માત અંગે માહિતી આપતા કહ્યું કે, અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને અન્ય કોઈને ઈજા નથી થઈ. અકસ્માત બાદ, નદીને વાણિજ્યિક નેવિગેશન માટે બંધ કરી દેવામાં આવી છે.
વીજળીના તાર સાથે અથડાયું હેલિકોપ્ટર
અકસ્માત અંગે રિવર્સ પોઇન્ટ ફાયર ડિસ્ટ્રિક્ટ ચીફ રિક પેન્ડરે જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાઈને મિસિસિપી નદીમાં ક્રેશ થયું હતું. અકસ્માત બાદ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિમાનનો અકસ્માત
નોંધનીય છે કે, તાજેતરમાં જ અમેરિકાના ઉત્તરી એરિઝોનામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા. ન્યૂ મેક્સિકોના અલ્બુકર્ક સ્થિત CSI એવિએશન કંપનીનું આ પ્લેન ફ્લેગસ્ટાફથી લગભગ 200 માઇલ (321 કિલોમીટર) ઉત્તરપૂર્વમાં ચિનલે એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર લોકો મેડિકલ કર્મચારીઓ હતા જેઓ એક દર્દીને લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
હડસન નદીમાં ક્રેશ થયું હેલિકોપ્ટર
આ પહેલાં પણ આ જ વર્ષે એપ્રિલમાં અમેરિકાના મૈનહટ્ટનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ન્યૂયોર્કની હડસન નદીમાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 બાળકો સહિત 6 લોકો મોતને ભેટ્યા હતા.