US School shooting: અમેરિકામાં બુધવારે એક કેથોલિક સ્કૂલમાં અજાણ્યા વ્યક્તિએ ગોળીબાર કરતા ઓછામાં ઓછા બે બાળકોના મોત થયા છે. મિનેસોટાના મિનેપોલિસના દક્ષિણ વિસ્તારમાં સ્થિત એક સ્કૂલમાં ગોળીબાર થયો હતો. અહેવાલો અનુસાર, આ ઘટના દરમિયાન 17 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે હુમલાખોરનું પણ ગોળીબારમાં મોત થયું છે.
ગોળીબાર અંગે સ્થાનિક હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારી ટીમો કટોકટીના સમયે પ્રતિક્રિયા આપવા માટે તાલીમ પામેલી છે અને અસરગ્રસ્ત બાળકોની સંભાળ રાખવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં, છ બાળકોને સંભાળ માટે અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે અમારા દર્દીઓ અને પરિવારોની ગોપનીયતાનો આદર કરતા વધુ માહિતી શેર કરીશું નહીં.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગોળીબારની ઘટના વિશે સોશિયલ મીડિયા પર લખ્યું કે તેમને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. FBI અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્યાં હાજર છે. વ્હાઇટ હાઉસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મિનિયાપોલિસના મેયર જેકબ ફ્રેએ કહ્યું, આ અકલ્પનીય કૃત્યની ભયાનકતાને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. તેમને કોઈ બીજાના બાળકો ન માનો. તેમને તમારા પોતાના બાળકો માનો. ઘણા બાળકો મૃત્યુ પામ્યા છે.
મિનિયાપોલિસમાં 24 કલાકમાં ગોળીબારની ચોથી ઘટના
મિનિયાપોલિસમાં 24 કલાકથી ઓછા સમયમાં આ ચોથી ગોળીબારની ઘટના છે. મંગળવાર બપોરથી મિનિયાપોલિસમાં ત્રણ અલગ અલગ ગોળીબારની ઘટનાઓ બની છે. મંગળવારે બપોરે લગભગ 1:30 વાગ્યે શહેરના ફિલિપ્સ વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ ઘાયલ થયા હતા.
મિનિયાપોલિસ પોલીસ વડા બ્રાયન ઓ’હારાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે હિંસાની ખૂબ જ ચિંતાજનક ઘટના હતી. મંગળવાર બપોર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. આ પછી, મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે શહેરમાં બીજી ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ત્રીજી ગોળીબારની ઘટના બુધવારે સવારે 2 વાગ્યે બની હતી. જેમાં બીજા વ્યક્તિનું મોત થયું હતું. અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે ગોળીબારની ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોય.