US Iran Naval Conflict: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનની નૌસેનાનું નામનિશાન મિટાવી દેશે. અમેરિકા લાંબા સમયથી ઈરાની નૌસેનાના જહાજોને એક ગંભીર ખતરો માનતું આવ્યું છે. ભલે ચર્ચા હંમેશા ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતાને લઈને થતી હોય, તેના મિસાઈલ પ્રોગ્રામને લઈને થઈ હોય, પરંતુ ઈરાનની નેવીને પણ અમેરિકા ઘણો મોટો ખતરો માને છે. એવું એટલા માટે કારણ કે ઈરાનની નૌસેના ફારસની ખાડીના ક્ષેત્રથી વ્યાપાર અને એનર્જી સપ્લાયમાં અવરોધ ઊભો કરી શકે છે.
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર અમેરિકન સેનાએ ૩૦ થી વધુ ઈરાની નેવીના જહાજોને ડૂબાડી દીધા છે અથવા ખતમ કરી દીધા છે. અમેરિકાએ ઈરાનના એક જહાજને હિંદ મહાસાગરમાં શ્રીલંકા પાસે પણ એક સબમરીન હુમલામાં ટોર્પીડોથી ઉડાવી દીધું હતું. ઈરાની અધિકારીઓએ હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરવાની ધમકી આપી છે જે ઈરાન અને યુનાઈટેડ આરબ અમીરાત વચ્ચેની પાતળી ચેનલ છે. અહીંથી દુનિયામાંથી પસાર થતા કુલ પ્રાકૃતિક ગેસનો પાંચમો ભાગ પસાર થાય છે.
ઈરાનની નેવીને અમેરિકા કેમ માને છે ખતરનાક?
ઈરાન પાસે બે પ્રકારની નૌસેના છે. ૧૯૭૯ ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનના મિલિટરી પ્લાનર્સે પોતાની નેવી ફોર્સને બે અલગ-અલગ સર્વિસમાં બનાવી છે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની નૌસેના તો દુનિયાના બીજા દેશની નૌસેના જેવી જ છે. પરંતુ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની પોતાની નૌસેના પણ છે જે ખાડી અને ઈરાનના કોસ્ટલાઇન પર ઓપરેશન્સ પર ફોકસ કરે છે. IRGC ની નૌસેના મોટે ભાગે નાની ઝડપી નૌકાઓનો ઉપયોગ કરે છે.
ઈરાન પાસે બે નૌસેના, અમેરિકાને ડર કેમ છે?
ઈરાનની પરંપરાગત નૌસેના: આ ઈરાનની પરંપરાગત નૌસેના છે જે ઊંડા સમુદ્રમાં મોટા જહાજો અને સબમરીન સાથે કામ કરે છે.
IRGC ની પોતાની નૌસેના: રિવોલ્યુશનરી ગાર્ડ્સની પોતાની દરિયાઈ સેના છે જે મુખ્યત્વે ફારસની ખાડીમાં છાપામાર યુદ્ધ અને નાની ઘાતક નૌકાઓના ઓપરેશનની જવાબદારી લે છે.
મધરશિપ અને ડ્રોન કેરિયર: ઈરાન પાસે IRIS Shahid Bagheri નામનું પ્રથમ ડ્રોન કેરિયર હતું, પરંતુ અમેરિકાએ તેને તબાહ કરી દીધું છે. તેને એક કોમર્શિયલ જહાજમાંથી બદલવામાં આવ્યું હતું. તેમાં ૧૮૦ મીટરનો રનવે હતો જે શાહેદ સિરીઝના ડ્રોનને લોન્ચ કરી શકતો હતો.
IRIS Makran: ઈરાન પાસે IRIS મકરાન નામનું એક વિશાળ જહાજ છે જે સમુદ્રમાં એક તરતા મિલિટરી બેઝની જેમ કામ કરે છે અને હેલિકોપ્ટર તથા સ્પેશિયલ ફોર્સીસના ઓપરેશનને મદદ કરે છે.
સબમરીન કાફલો: ઈરાન પાસે આશરે ૨૫ સબમરીન છે. જેમાં રશિયન મૂળની કિલો-ક્લાસ સબમરીન અને સ્વદેશી ઘાદિર અને નાહંગ ક્લાસની નાની સબમરીન સામેલ છે. તે છીછરા પાણીમાં ઓપરેશનમાં માહેર છે.
મિસાઈલ અને ડિફેન્સ ટેકનોલોજી: IRIS ડેના, જેને અમેરિકાએ શ્રીલંકા પાસે ડૂબાડ્યું છે તે તેનું સ્વદેશી યુદ્ધજહાજ હતું. તે એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલોથી સજ્જ હતું.
ડિફેન્સ ઇન્ટેલિજન્સ ફર્મ ‘જેન્સ’ ના ડેટા મુજબ ઈરાન પર હુમલા પહેલા તેની રેગ્યુલર નેવીના ફ્લીટમાં ત્રણ સબમરીન, આઠ ફ્રિગેટ અને બે કોર્વેટ હતા. તેની પાસે ૨૨ નાની સબમરીન પણ છે. અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર આને ખાસ કરીને ફારસની ખાડીના ઓછા ઊંડા પાણીમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. જેન્સના જણાવ્યા મુજબ IRGC ની નૌસેનામાં મોટે ભાગે સેંકડો નાના અને ઝડપી જહાજો પણ છે. તેઓ ગેરીલા યુદ્ધમાં માહેર છે અને ડર એટલે જ સૌથી વધુ છે.
IRGC ની નૌસેના માઈન્સ બિછાવવામાં માહેર
અમેરિકન નૌસેનાના આકલન રિપોર્ટ મુજબ IRGC ની નૌસેના પોતાના ક્ષેત્રમાં માઈન્સ બિછાવવાની સ્ટ્રેટેજીમાં માહેર છે. આ ઉપરાંત ઈરાનની નૌસેનાએ સબમરીન અને નાની નૌકાઓ સહિત એવા જહાજો ખરીદ્યા છે જે માઈન્સ બિછાવવા અને હોર્મુઝ સ્ટ્રેટથી શિપિંગ ટ્રાફિકને રોકવા માટે સક્ષમ છે. ઈરાનીઓ એટલે જ છાતી ઠોકીને હોર્મુઝ સ્ટ્રેટને રોકવાની વાત કરે છે. ઈરાને ડ્રોન લોન્ચ કરવા માટે એરક્રાફ્ટ કેરિયરની જેમ ડ્રોન કેરિયર પણ બનાવ્યું હતું પરંતુ અમેરિકાએ તેને તબાહ કરી દીધું છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા ઈરાનની નૌસેના પર જ હુમલો કરવામાં આવ્યો. ગુરુવાર સુધી અમેરિકન સેનાએ ૩૦ થી વધુ વોરશિપ ડૂબાડી દીધા હતા અથવા નષ્ટ કરી દીધા હતા. જેમાં ડ્રોન કેરિયર શાહિદ બાઘેરી પણ સામેલ છે જેના વિશે સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું કે ઓપરેશન શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ તેને ડૂબાડી દેવામાં આવ્યું હતું. કમાન્ડ દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું કે તેણે વધુ એક ઈરાની ડ્રોન કેરિયર પર હુમલો કર્યો હતો.

