Ukraine Drone Attack Black Sea Oil Tanker: મંગળવારે કાળા સમુદ્રના કિનારા નજીક યુક્રેનના ડ્રોન હુમલામાં એક ઓઈલ ટેન્કરમાં આગ લાગી હતી. રશિયન અધિકારીઓએ જણાવ્યું કે લાઈબેરિયાના ધ્વજવાળા ઓઈલ ટેન્કરમાં 23 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. તે તમામને બચાવી લેવામાં આવ્યા છે. રશિયાના પરિવહન મંત્રાલયે જણાવ્યું કે મંગળવારે અફ્રામેક્સ રિયો નામના ટેન્કર પર રશિયાના રિસોર્ટ શહેર સોચી નજીક બ્લેક સીમાં નેવલ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમાં આગ લાગી હતી.
સમાચાર એજન્સી રોયટર્સે મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે ક્રૂમાંથી કોઈને પણ ઈજા થઈ નથી. કટોકટીની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી અને ટેન્કર પર સવાર તમામ 23 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ હુમલાના કારણે બ્લેક સીમાં કાચું તેલ ધૂ-ધૂ કરીને સળગવા લાગ્યું, જેના કારણે આગ અને ધુમાડાની ઊંચી જ્વાળાઓ ઉઠી હતી. આ જહાજ પર હાજર તમામ ક્રૂ સભ્યો ભારતીય નાગરિક હતા.
સોચીના દરિયાકિનારાને બંધ કરાયો
હુમલા બાદ સામે આવેલા વીડિયોમાં સોચીના કિનારેથી સમુદ્રમાં કાળા ધુમાડાનો મોટો ગોટો દેખાઈ રહ્યો હતો. આ ઘટના બાદ સિરીયસ ફેડરલ ક્ષેત્રના અધિકારીઓએ દરિયાકિનારો બંધ કરી દીધો છે. પાણી અને હવાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી રહી છે. સોચીના મેયરે જણાવ્યું કે કિનારા અને બીચ સુધી પહોંચ મર્યાદિત કરવામાં આવી રહી છે.
Massive fire reported in the Russian Black Sea port city of Sochi this evening.
Local channels report that a ship exploded in the port area. https://t.co/W4XhDaujR0
— OSINTtechnical (@Osinttechnical) October 6, 2026
દરિયાઈ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો
રશિયાના પરિવહન મંત્રાલયે હુમલા અંગે માહિતી આપતાં જણાવ્યું કે તેને એક માનવરહિત જહાજથી અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે બ્લેક સીમાં કમર્શિયલ જહાજો પરના હુમલામાં વધારો થયો છે. રશિયા અને યુક્રેન બંનેએ કાળા સમુદ્રની આસપાસ વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે.
એક દિવસ અગાઉ જ કાળા સમુદ્રમાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજ પર હુમલો થયો હતો, જેમાં જહાજના કેપ્ટનનું મૃત્યુ થયું હતું. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી, ત્યારબાદ 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું.

