ઈઝરાયલ દ્વારા યુદ્ધવિરામ માટે તૈયારી દર્શાવાઈ
તેલ અવીવ, તા. 3 : ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે ઈઝરાયલ તૈયાર થઈ ચૂક્યું છે. અમેરિકાએ કહ્યું છે કે ઈઝરાયલ તરફથી છ સપ્તાહના યુદ્ધ વિરામના પ્રસ્તાવને લગભગ સ્વીકારી લેવામાં આવ્યો છે. તેવામાં હવે હમાસે આગળનો નિર્ણય કરવાનો છે. જો કે અમેરિકી અધિકારીએ નામ ન છાપવાની શરતે આ જાણકારી આપી છે કારણ કે, યુદ્ધ વિરામની વાતચીત ઉપર સાર્વજનિક રીતે ચર્ચા કરવા તેઓ અધિકૃત નહોતા. અધિકારીએ કહ્યું છે કે, સમજૂતીમાં ગાઝામાં છ અઠવાડિયા માટે યુદ્ધ વિરામ દરમિયાન હમાસ તરફથી બંધકોની મુક્તિ સામેલ છે.
ઈઝરાયલ પણ પોતાની જેલમાં બંધ પેલેસ્ટાઇનના કેદીઓને મુક્ત કરશે. સાથે જ પેલેસ્ટાઇનને ઉત્તરી ગાઝામાં ફરવાની મંજૂરી આપવામાં આવશે અને માનવીય સહાયમાં વૃદ્ધિ કરવામાં આવશે. અમેરિકી પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ શનિવારે કહ્યું હતું કે, ઈઝરાયલે અનિવાર્ય રીતે પ્રસ્તાવિત ગાઝા યુદ્ધ વિરામ અને બંધ મુક્તિ સમજૂતીની રૂપરેખાનું સમર્થન કર્યું છે.
હવે તેના ઉપરની સહમતી હમાસ ઉપર નિર્ભર કરે છે. અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે, ઈઝરાયલી લોકોએ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે અને હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. ગાઝા પટ્ટીમાં ચાર મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ક્ષેત્રને ખરાબ રીતે તબાહ કરી દેવામાં આવ્યો છે. તેવામાં હવે યુદ્ધ છ અઠવાડિયા માટે બંધ રહેવાની સંભાવના જાગી છે.
માનવામાં આવે છે કે ઈઝરાયલ અને હમાસ બન્ને સહમતીની નજીક છે. હાલમાં જ અમેરિકા, ઈજીપ્ત અને કતરની મધ્યસ્થાતામાં થયેલી બેઠકોમાં હમાસે પૂરી રીતે યુદ્ધ રોકવાની પોતાની માગ છોડી દીધી છે અને અસ્થાયી વિરામ ઉપર સહમતી વ્યક્ત કરી છે. હમાસે આ અગાઉ સીઝફાયરના પ્રસ્તાવને ઘણી વખત ફગાવી દીધો હતો.
