ઈરાનનું ઈઝરાયલને આખરીનામું
ઈરાનનું ઈઝરાયલને આખરીનામું
નવી દિલ્હી, તા. 23 : માનવજાતના વિનાશનાં મૂળ સમાન લોહિયાળ યુદ્ધ હવે બેહદ બિહામણું બની ચૂકયું છે. આક્રમક ઇઝરાયલની સેના 17 દિવસ બાદ સોમવારે આખરે ગાઝામાં જાતે ઘૂસી ગઇ હતી અને 320 સ્થળો પર એક સાથે હુમલા કર્યા હતા. ઇઝરાયેલી જવાનો અને હમાસના આતંકવાદીઓ આજે પહેલીવાર સાવ સામ સામે આવી ગયા હતા. વકરેલું યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધનું વરવું સ્વરૂપ ધારણ કરી લે તેવી ભીતિથી દુનિયાના શ્વાસ અદ્ધર કરી નાખે તેવી ચેતવણી આપતાં ઇરાને ચોખ્ખું કહી દીધું હતું કે, ઇઝરાયલ હુમલા જારી રાખશે તો લડાઇ સમગ્ર ક્ષેત્રમાં ફેલાઇ જશે અને મધ્ય-પૂર્વમાં સ્થિતિ બેહદ ખરાબ થઇ શકે છે. ઇરાનની આવી ધમકી બાદ અત્યાર સુધી શાંત રહેલું અમેરિકા ભડકી ઊઠયું છે. પહેલીવાર ગુસ્સે ભરાયેલાં અમેરિકાએ સામી ચેતવણી આપી દીધી હતી કે, અમારા સૈનિકોને નિશાન બનાવવાની કોશિશ થશે તો તેનો મજબૂત રીતે સામનો કરાશે. અત્યાર સુધી હવાઇ હુમલા કરનાર ઇઝરાયલે હવે જમીન પર રહીને પણ હમાસના આતંકવાદીઓ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ `ઇરાની’ ધમકી બાદ વળતી ચેતવણીમાં ઇરાન ચોખ્ખું કહી દીધું છે કે, આ યુદ્ધમાં કૂદી પડશે, તો એ ભારે મોટી ભૂલ કરશે. નેતન્યાહૂએ પોતાના સૈનિકોને કહ્યું હતું કે, હમાસ સામે હવે `કરો યા મરો’ની લડાઇ છે. અમે આ યુદ્ધને અંજામ સુધી લઇ જઇશું. દરમ્યાન, અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે, ઇરાન સમર્થિત સંગઠનને યુદ્ધમાં પડશે તો ગંભીર પરિણામ ભોગવવાં પડશે. ઇરાનના વિદેશમંત્રી અમીર અબ્દુલ્લાહિયને તેહરાનમાં પત્રકાર પરિષદનાં માધ્યમથી કહ્યું હતું કે, હું અમેરિકા અને તેનાં પ્રોકસી ઇઝરાયલને ચેતવણી આપું છું. ગાઝામાં નરસંહાર તરત નહીં રોકાય તો કોઇપણ સમયે કંઇપણ થઇ શકે છે. યુદ્ધની વકીલાત કરનારાઓ માટે તેનાં પરિણામો દૂરગામી અને બેહદ ખરાબ આવશે. અત્યાર સુધી યુદ્ધમાં છ હજારથી વધારે મોત થઇ ગયાં હોવાનું બિન સત્તાવાર આંકડા પરથી જાણવા મળે છે. ગાઝામાં 30 હજારથી વધુ ઇમારતો તબાહ થઇ ગઇ છે. અમેરિકાએ ઇરાન અને તેના સાથી સંગઠનોને ચેતવણી આપવાથી પહેલાં પુરતી તૈયારીરૂપે ભૂમધ્યસાગરમાં અત્યાધુનિક મિસાઇલો, યુદ્ધ વિમાનો, હથિયારો સાથે બે જંગી જહાજ તેમજ જવાનો તૈનાત કરી દીધા છે. એક અહેવાલ અનુસાર, તેલ અવીવમાં ત્રીજાં વિશ્વયુદ્ધના તખ્તા રૂપે નવ બટાલિયન, નવ હથિયાર, નવ મોરચા પરથી ઇરાને ઓપરેશન શિલ્ડ હેઠળ નવ ખુંખાર જૂથ તૈયાર રાખ્યાં હોવાનું જાણવા મળે છે.
