વોશિંગ્ટન, તા. 16 : મહાસત્તા અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રિપબ્લિકન પાર્ટીએ આજે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિધિવત પ્રમુખ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા અને ટ્રમ્પે એમના રનિંગ મેટ એટલે કે ઉપપ્રમુખ પદ માટે 39 વર્ષના જે.ડી. વેન્સની વરણી કરી હતી. વિસ્કોન્સિનના મિલ્કોવી શહેરમાં મળેલા પક્ષના સંમેલનમાં ટ્રમ્પને પ્રતિનિધિઓના 2387 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટાવા માટે 121પ મતની જરૂર હોય છે. રિપબ્લિકન પાર્ટીએ, ઉપરાષ્ટ્રપતિપદ માટે ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અને નિક્કી હેલીની દાવેદારીને અવગણીને જેમ્સ ડેવિડ વેન્સને પસંદ કર્યા હતા. જો કે, વેન્સના પત્ની ભારતીય મૂળનાં ઉષા ચીલકુટી છે.

13મી જુલાઈએ પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલા બાદ પહેલીવાર ટ્રમ્પ કાન પર પટ્ટી બાંધીને જાહેર મંચ પર જોવા મળ્યા હતા. સંમેલનમાં ટ્રમ્પનાં આગમન સાથે જ સમર્થકોએ યુએસએ… યુએસએ..ના સૂત્રો પોકાર્યા હતા. ટ્રમ્પ સાથે તેમના પુત્ર એરિક અને ડોનાલ્ડ જુનિયર પણ સામેલ હતા. ટ્રમ્પે જો કે, સંમેલનમાં પોતાના પર થયેલા હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. યુવાન વયના જે. ડી. વેન્સ યેલ લો સ્કૂલના સ્નાતક છે અને મૂડીવાદી સાહસિક તરીકે જાણીતા છે. 2016માં હિલબિલી એલિજી નામે સંસ્મરણોના પુસ્તકથી તેઓ જાણીતા થયા અને રાજકીય ક્ષેત્રે પ્રવેશ્યા હતા. સાઉથવેસ્ટર્ન ઓહાયોમાં ગરીબી અને વ્યસનમાં પોતાનું બાળપણ અને ઉછેર થયેલો એનું વર્ણન કરતું આ પુસ્તક અમેરિકામાં ધૂમ વેચાયું અને ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના મતદારો માટે માર્ગદર્શક બન્યું. 2016ની ચૂંટણીમાં ટ્રમ્પના ટીકાકારમાંથી એક મજબૂત સમર્થકમાં પરિવર્તિત થયેલા વેન્સ 2022માં યુ.એસ. સેનેટમાં ચૂંટાયા હતા, ટ્રમ્પની લોકપ્રિય રાજનીતિની બ્રાન્ડને સંપૂર્ણપણે અપનાવી પોતાની જાતને અલ્ટ્રાકન્સર્વેટિવ બૌદ્ધિક ચળવળના અગ્રણી તરીકે સ્થાપિત કરી છે. વેન્સના પત્ની ઉષા વેન્સ ભારતીય મૂળના વકીલ છે, બંને યેલ લો સ્કૂલમાં મળ્યા હતા, વેન્સ યુગલને ત્રણ બાળક છે.
ઓહિયોના પ્રથમવાર સેનેટર બનેલા વેન્સ પહેલા અગ્રણી ડેમોક્રેટ્સ છે જે માને છે કે નેતાઓને સંતાનો હોવા જોઇએ જેથી અમેરિકાની વસ્તીમાં નેતાઓનો પણ ફાળો હોવો જોઇએ. જો કે, વેન્સે 2021માં ગર્ભપાતની તુલના ગુલામી સાથે કરી હતી. હવે આ મુદ્દે પોતાનું જાહેર વલણ કંઈક અંશે બદલ્યું છે. કેમ કે, ટ્રમ્પે ગર્ભપાત પરના કઠણ વલણને નકારાત્મક ગણાવ્યું છે. વેન્સ અને ઉષા પ્રથમવાર 2010માં યેલ લો સ્કૂલમાં મળ્યા હતા, ત્યારે એમણે `શ્વેત અમેરિકામાં સામાજિક પતન’ વિષય પર એક ચર્ચા જૂથનું આયોજન કર્યું હતું. એમાં બંને વૈચારિક સમાનતાથી એકબીજા પ્રત્યે આકર્ષાયા અને યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયાના એક વર્ષ પછી, 2014માં લગ્ન કર્યાં હતાં. તેમનું પારિવારિક જીવન ખાનગી હોવા છતાં, વેન્સ અને ઉષા સંખ્યાબંધ રાજકીય કાર્યક્રમો માટે સાથે પણ જોવા મળે છે. 2022માં ઓહાયોની સેનેટ બેઠક માટેના રાજકીય અભિયાનમાં ઉષા એમની સાથે જ રહ્યા હતા અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન મેળવ્યા પછી રિપબ્લિકન નોમિનેશન અને આખરે સામાન્ય ચૂંટણીમાં ડેમોક્રેટિક ટિમ રાયનને હરાવ્યા હતા.

