Bangladesh Hindu Family Murder: બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના 4 સભ્યોની હત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલીસની થિયરી પર ઉઠાવ્યા સવાલ

Arati Parmar
2 Min Read

Bangladesh Hindu Family Murder: બાંગ્લાદેશના રંગપુરમાં એક જ હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાના મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટે પોલીસની થિયરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ફોરેન્સિક તપાસમાં હત્યાનો જે સમય જણાવવામાં આવ્યો હતો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તપાસકર્તાઓએ યાબા નામની નશીલી દવાના ઉપયોગ અંગે જે દાવો કર્યો હતો, તે પણ શંકાના દાયરામાં છે.

નિવૃત્ત હિંદુ શિક્ષકના પરિવારની હત્યા

રંગપુરના માચુઆપારા વિસ્તારમાં એક નિવૃત્ત હિંદુ શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની, પુત્રી અને પુત્રની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ચારેયના મૃતદેહ 22 ઓગસ્ટે ઘરમાંથી મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી ફોરેન્સિક માહિતી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારેય પીડિતોના મોત ગળું દબાવવાથી થયાં હતાં.

- Advertisement -

પોસ્ટમોર્ટમ દરમિયાન જાતીય શોષણનો કોઈ પુરાવો મળ્યો નથી. મૃતદેહો પર કોઈ કેમિકલના ઉપયોગના સંકેતો પણ મળ્યા નથી. નોર્થ ઇસ્ટ ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે મૃતદેહો ખૂબ સડી ગયા હતા અને ચારેય મૃતદેહોમાં કીડા પડી ગયા હતા. ફોરેન્સિક તપાસના પરિણામોએ પોલીસ દ્વારા હત્યાકાંડ અંગે રજૂ કરવામાં આવેલી કહાનીને વધુ ગૂંચવણભરી બનાવી છે.

પોલીસની કહાની પર સવાલ

નોર્થ ઇસ્ટ ન્યૂઝે ફોરેન્સિક સૂત્રોના હવાલાથી જણાવ્યું કે પોસ્ટમોર્ટમમાં મોતનો સમય મૃતદેહો મળી આવ્યાના 2થી 4 દિવસ પહેલાંનો જણાવવામાં આવ્યો છે. આથી હત્યાને લઈને તપાસકર્તાઓની ટાઇમલાઇન પર સવાલ ઊભા થયા છે, જેમણે જણાવ્યું હતું કે હત્યા શુક્રવારે થઈ હતી અને શનિવારે મૃતદેહો મળી આવ્યા હતા. મોતનો ચોક્કસ સમય નક્કી કરવામાં મૃતદેહોનું સડી જવું પણ એક કારણ રહ્યું હતું.

- Advertisement -

નશીલી દવાના સેવનનો દાવો

સૌથી મોટો પડકાર શંકાસ્પદોએ યાબા નામની નશીલી દવા લીધી હોવાના દાવાને લઈને છે. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે હત્યારાઓએ હત્યા પહેલાં, દરમિયાન અથવા ત્યારબાદ યાબાની અનેક ગોળીઓ ખાધી હતી. તપાસકર્તાઓએ જણાવ્યું કે શંકાસ્પદો હત્યા કર્યા બાદ ઘરમાં જ રોકાયા હતા. ત્યાં જ નાહ્યા, ફ્રિજમાંથી ખજૂર ખાધા અને જતાં પહેલાં યાબાનું સેવન કર્યું હતું. એક સૂત્રે આ કહાનીને બનાવટી ગણાવી હતી. સૂત્રોએ સવાલ ઉઠાવ્યો કે શું એ શક્ય છે કે શંકાસ્પદોએ યાબાની અનેક ગોળીઓ ખાધી હોય અને તેમની પાસે ઘરમાં રોકાવા, ભોજન કરવા તથા અન્ય કામો કરવાનો સમય પણ બચ્યો હોય. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંઘર્ષ અથવા મારામારીના સંકેતો પણ મળ્યા છે.

Share This Article