બેટ્સમેનોના ફ્લોપ શોથી ભારત મુશ્કેલીમાં

Reena Brahmbhatt
2 Min Read

પૂણે, તા. 25 : ફરી ભારતીય બેટધરોના 156 રનમાં ધબડકાથી ન્યૂઝીલેન્ડ માટે ભારતની ધરતી પર ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતની તક સર્જાઇ છે. બીજી ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ પાંચ વિકેટે 198 રન કરીને ભારતથી 301 રન આગળ થયું છે અને તેની પાસે હજુ પ વિકેટ અકબંધ છે. 4 વિકેટ વોશિંગ્ટન સુંદરે ઝડપી હતી. મેચમાં તેની કુલ 11 વિકેટ થઇ છે.

આ પહેલાં આજે ટીમ ઇન્ડિયાનો પહેલા દાવમાં 1પ6 રનમાં શરમજનક ધબડકો થયો હતો. આથી ન્યૂઝીલેન્ડને 103 રનની મહત્ત્વની સરસાઇ મળી હતી. કિવી સ્પિનર મિશલ સેન્ટનરની સ્પિન જાળમાં ભારતીય બેટધરો આબાદ ફસાયા હતા. સેન્ટનરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ3 રનમાં 7 વિકેટ લીધી હતી. બાદમાં ટોમ લાથમે 86 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. મેચના હજુ પૂરા 3 દિવસ બાકી છે. નિસ્તેજ ભારત કરતાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. મેચના આજે બીજા દિવસે કુલ 14 વિકેટ પડી હતી, જે તમામ સ્પિનર્સને મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી બીજા દાવમાં કપ્તાન ટોમ લાથમે 133 દડામાં 10 ચોગ્ગાથી 86 રનની આકર્ષક ઇનિંગ્સ રમી આજના દિવસની આખરી ક્ષણોમાં આઉટ થયો હતો, જ્યારે વિકેટકીપર ટોમ બ્લંડેલ 30 રને દાવમાં રહ્યો હતો. ડવેન કોન્વે 17, વિલ યંગ 23, રચિન રવીન્દ્ર 9 અને ડેરિલ મિશેલ 18 રને આઉટ થયા હતા.

- Advertisement -

પહેલા દાવમાં 7 વિકેટ લેનાર યુવા ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરે બીજા દાવમાં પણ શાનદાર દેખાવ કરીને પ6 રનમાં 4 વિકેટ લીધી હતી. આ પહેલાં 1 વિકેટે 16 રનથી દાવ આગળ વધારનાર ભારતીય ટીમનો 4પ.3 ઓવરમાં 1પ6 રનમાં શરમજનક ધબડકો થયો હતો. સોથી વધુ 38 રન રવીન્દ્ર જાડેજાએ કર્યાં હતા. શુભમન અને યશસ્વી 30-30 રન કરી આઉટ થયા હતા. કોહલી (1)ની નિષ્ફળતા યથાવત્ રહી હતી. પંત 18 અને સરફરાઝ 11 રન જ કરી શકયા હતા. વોશિંગ્ટન સુંદર 18 રને નોટઆઉટ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી મિચેલ સેન્ટનરે કેરિયરનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરીને પ3 રનમાં 7 વિકેટ લીધી હતી. ગ્લેન ફિલિપને બે વિકેટ મળી હતી.

Share This Article