Mongolia PM Resigns: મંગોલિયાના વડા પ્રધાને ક્યારેય વિચાર્યું નહીં હોય કે પોતાના દીકરાની એક તસવીર તેના શાસનના અંતનું કારણ બનશે. તાજેતરમાં જ મંગોલિયાના વડા પ્રધાન લુવસન્નામાસરેન ઓયુન એર્ડીન સંસદમાં વિપક્ષી પક્ષો દ્વારા રજૂ કરાયેલ અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા. ત્યારબાદ લુવસન્નામાસરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. આ બધા પાછળનું કારણ તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂની રજાઓ દરમિયાન લેવામાં આવેલ એક તસવીર છે. આ તસવીર સામે આવ્યા બાદ દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા, જેના પછી વડાપ્રધાનને તેમના પદ પરથી રાજીનામું આપવા પર મજબૂર થવું પડ્યું.
લક્ઝરી લાઈફસ્ટાઈલ
વાસ્તવમાં ઓયુન-એર્ડીનના પુત્ર અને તેની મંગેતરની કેટલીક તસવીરો દ્વારા તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી એક તસવીરમાં આ કપલ લક્ઝરી શોપિંગ બેગ લઈને ફરતું જોવા મળ્યું હતું. આ તસવીર વડાપ્રધાનના પુત્રની મંગેતરે પોસ્ટ કરી હતી. બીજી તસવીરોમાં પણ પુત્ર અને મંગેતરની લક્ઝરી લાઈફસ્ટાઈલની કેટલીક ઝલક દેખાઈ રહી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ દેશની તપાસ એજન્સીઓએ વડાપ્રધાન વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

