વાયનાડ, તા.31 : વાયનાડમાં ભૂસ્ખલનની કરુણાંતિકામાં મૃત્યુઆંક જોતજોતામાં 243ને આંબી ગયો છે. 1000 જેટલા લોકોને બચાવાયા છે. રર0 હજુ લાપત્તા હોવાનું કહેવાય છે. બચાવ કામગીરી જારી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાયનાડની મુલાકાતે જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને પગલે તેમની મુલાકાત આજે રદ કરવી પડી છે. આવતી કાલે તેઓ વાયનાડ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સંસદમાં જણાવ્યું હતું કે, કેરળને એક સપ્તાહ પહેલા જ એલર્ટ અપાયું હતું, પરંતુ રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લીધું ન હતું.

જો આ ચેતણી ધ્યાને લીધી હોત તો આટલું નુકસાન થાત નહીં કેરળના મુખ્યમંત્રી પી. વિજયને વળતા વારમાં કહ્યું હતું કે, આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી, માત્ર આક્ષેપો કરીને જવાબદારીમાંથી છટકી શકાય નહીં. શાહે કહ્યું હતું કે, 23 જુલાઇએ જ કેન્દ્ર સરકાર તરફથી ચેતવણી અપાઇ હતી. વાયનાડમાં ગત સોમવારે રાત્રે ર વાગ્યા બાદ 4 કલાકમાં 4 વખત પહાડ ઉપરથી જમીન ધસી પડી હતી જેમાં મુંડકકઇ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નૂલપુત્રા ગામ દટાઈ ગયા હતા. કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે વાયનાડમાં મોટી તારાજી થઈ છે. 131 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભૂસ્ખલનમાં કાચા-પાકા મકાનો ઉપરાંત પુલ, રસ્તા અને વાહનો પણ દટાઈ ગયા હતા.
ઘટના સ્થળની મુલાકાતે જઈ રહેલા કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જને માર્ગ અકસ્માત નડતાં ઈજા પહોંચી છે. આમી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગસ્કવોડ સહિત રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ છે. 3000 જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. સૈન્યએ મુંડક્કઈ ગામના બે રિસોર્ટમાંથી 19 ટૂરિસ્ટને રેસ્ક્યૂ કર્યા છે. બનાવને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ છે.

