દેહરાદૂન, તા. 10 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા. કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. એકસાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા પણ આજે ખૂલશે, જ્યારે બદ્રીનાથ મંદિરમાં 12 મેથી દર્શન શરૂ થશે.

આ સ્થળોએ દિવસનું તાપમાન 0થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઈનસ પર પહોંચી રહ્યો છે. આમ છતાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલાં 16 કિમી દૂર ગૌરીકુંડ પહોંચી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 7થી 8 હજારની વચ્ચે હતો. અહીં લગભગ 1500 રૂમ છે, જે હાઉસફુલ થઈ ગયા છે. રજિસ્ટર્ડ 5,545 ખચ્ચર બુક કરવામાં આવ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
