નવી દિલ્હી, તા. 9 : હરિયાણા ચૂંટણી પરિણામો અંગે કોંગ્રેસ પ્રતિનિધિ મંડળની મુલાકાત પહેલાં ચૂંટણીપંચે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગેને પત્ર લખીને પક્ષના નેતાઓનાં નિવેદનો બદલ ઠપકાભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓની ટિપ્પણીઓ લોકોની ઇચ્છાઓના બિનલોકશાહી રીતે અસ્વીકાર સમાન છે.

ઇવીએમની બેટરી 99 ટકા હોય ત્યાં ભાજપની જીત થઇ હોવાના દાવાને ચૂંટણીપંચે ફગાવ્યો હતો. આજે ચૂંટણીપંચના અધિકારીઓને મળ્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, અમે પંચને હરિયાણીની સાત વિધાનસભા બેઠકોના આંકડા, દસ્તાવેજ આપ્યા છે. વધુ 13 બેઠકો અંગેની ફરિયાદ પણ અમે આગામી 48 કલાકમાં પંચને આપશું. ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસ નેતાઓના એવા દાવા ફગાવી દેવાયા છે જેમાં હરિયાણાની અમુક બેઠક ઉપર ઈવીએમમાં છેડછાડનો આરોપ મુકાયો હતો અને કહેવામાં આવ્યું હતું કે મશીનમાં બેટરીના ચાર્જિંગની અલગ અલગ સ્થિતિનાં કારણે અલગ અલગ પરિણામ આવ્યાં છે.
કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે હિસારઘ મહેન્દ્રગઢ અને પાનીપત જિલ્લામાં ઇવીએમ અંગે ફરિયાદ આવી છે. ચૂંટણીપંચનાં સૂત્રો અનુસાર કોંગ્રેસને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, મશીનની બેટરી અને પરિણામ વચ્ચે કોઈ સંબંધ નથી. આ અગાઉ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આરોપ મૂક્યો હતો કે, જ્યાં 99 ટકા બેટરી હોય ત્યાં ભાજપ જીતે છે અને જ્યાં 60-70 ટકા બેટરી હોય છે ત્યાં કોંગ્રેસને જીત મળે છે. આ ષડયંત્ર નથી તો શું છે ? ચૂંટણીપંચના સૂત્રો અનુસાર ઇવીએમના કન્ટ્રોલ યુનિટમાં અલ્કેલાઇન બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇવીએમની શરૂઆતના દિવસે ઉમેદવારોની હાજરીમાં નવી બેટરી નાખવામાં આવે છે અને તેને સીલ કરવામાં આવે છે. શરૂઆતમાં બેટરી 7.5થી 8 વોટ વચ્ચે હોય છે. એટલે 99 ટકા ક્ષમતા બતાવે છે. બાદમાં ઉપયોગ પ્રમાણે ક્ષમતા ઘટે છે. તેવામાં બેટરી અને ચૂંટણીનાં પરિણામ વચ્ચે કોઈ સંબંધ નથી.

