નવી દિલ્હી, તા. 8 : તબીબી પ્રવેશ પરીક્ષા `નીટ’માં ગરબડના વિવાદથી દેશભરના છાત્રોમાં નિરાશા વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે, નીટ પેપર લીક થયું છે, એ તો સ્પષ્ટ છે. ગુજરાત રાજ્યના 56 સફળ પરીક્ષાર્થીની અરજી પર પણ સુનાવણી કરાઇ હતી. કોર્ટે કહ્યું હતું કે, નીટ-યુજીની શુદ્ધતા નષ્ટ થઈ ગઈ છે અને જો તેનાં ફૂટેલા પ્રશ્નપત્ર સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રસારિત કરી દેવાયા હોય તો પછી બીજીવાર પરીક્ષા યોજવાનો આદેશ આપવો પડશે.

જો ઇલેક્ટ્રોનિક માધ્યમોથી પેપર લીક થાય તો તે દાવાનળની જેમ ફેલાઈ જાય અને એક વાત તો સ્પષ્ટ છે કે, પેપર લીક થયું છે. સુપ્રીમ કોર્ટે એનટીએને સવાલ કર્યો હતો કે, જો એવું માની લેવામાં આવે કે સરકાર પરીક્ષા રદ નહીં કરે તો તે ફૂટેલા પેપરના લાભાર્થીઓની ઓળખ કરવા માટે શું કરશે? જો સોશિયલ મીડિયાનાં માધ્યમથી પેપર લીક થયું હોય તો પછી બીજીવાર પરીક્ષાનો આદેશ આપવો જ પડે. જે થયું છે તેને આપણે નકારવું ન જોઈએ.
ટોચની અદાલતે આ મહત્ત્વના મામલા પર આજે બે કલાક અને 20 મિનિટ સુધી સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર તેમજ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) પાસેથી જવાબ માગ્યા હતા. સુપ્રીમે એનટીએને ગરબડમાંથી ફાયદો ઊઠાવનારા પરીક્ષાર્થી છાત્રોની જાણકારી આપવા તેમજ સીબીઆઇને આ મામલાની તપાસમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની વિગતો આપવા જણાવ્યું હતું. બીજી તરફ અદાલતે કેન્દ્ર સરકાર પાસેથી એનટીએમાં સુધારા માટે બનેલી તજજ્ઞ સમિતિ અંગે જાણકારી માગી હતી. સાથોસાથ પુન: પરીક્ષાની માંગ કરનારા અરજદારો પાસેથી 10 પાનાનો સર્વગ્રાહી અહેવાલ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ તમામને આગામી બુધવારની સાંજે પાંચ વાગ્યા સુધીમાં જવાબ આપી દેવાનો નિર્દેશ આપ્યો છે.
આ મામલાની નવી સુનાવણી 11મી જુલાઇના દિવસે થશે. સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, પેપર લીક થયું છે, એ તો સ્પષ્ટ છે જ. સવાલ એ છે કે, તેનો વ્યાપ કેટલો મોટો છે. એ સમજવું જરૂરી છે કે, પેપર લીક કેટલું વ્યાપક છે. માત્ર બે લોકોની ગરબડનાં કારણે આખી પરીક્ષા રદ્દ કરી શકાય નહીં. અમે એ જાણવા માગીએ છીએ કે, એનટીએ અને કેન્દ્ર સરકારે અત્યાર સુધી પેપર લીકના આરોપીઓની ઓળખ માટે શું પગલાં લીધાં છે, તેવું તેમણે ઉમેર્યું હતું. મુખ્ય ન્યાય મૂર્તિએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછયું હતું કે, સરકારને પૂછીને જણાવો, શું આપણે સાયબર ફોરેન્સિક વિભાગના ડેટા એનાલિટિક્સ યુનિટ મારફતે જાણી શકીએ કે, આખી પરીક્ષા પ્રતીવિત થઈ છે ! શું ખોટું કામ કરનારાઓની ઓળખ શક્ય છે ? આ રીતે આપણે એ છાત્રો વિશે જાણકારી મેળવી શકીએ છીએ, જેમણે ગરબડ કરીને ફાયદો ઊઠાવ્યો છે, તેવું ચંદ્રચૂડે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોર્ટ એક સાથે 38 અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાંથી 34 અરજી છાત્રો, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓએ, તો ચાર અરજી એનટીએ દ્વારા કરાઇ છે.

