નવી દિલ્હી, તા. પ : લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળનો એનડીએ મોરચો ધારણાથી ઓછી છતાં બહુમતના આંકથી વધુ એવી 294 બેઠક પર જીત્યો છે, ત્યારે કેન્દ્રમાં ત્રીજીવાર મોદી સરકારની કવાયત શરૂ થઈ ગઈ છે. એનડીએના સહયોગી પક્ષોની આજે મળેલી લાંબી બેઠકમાં સરકારની રચનાની ચર્ચા કરાઈ હતી, જેમાં ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદીને સમર્થનનો પ્રસ્તાવ પાસ થયો હતો અને અહેવાલો મુજબ સાતમી જૂને મોદી સરકાર રચવાનો દાવો રજૂ કરશે અને આઠમી જૂને પીએમપદે શપથ લેશે. એ જ દિવસે કેન્દ્રીય મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ યોજાય તેવી શક્યતા છે. પરિણામોને પગલે નિર્ણાયક ભૂમિકામાં આવી ગયેલા ટીડીપીના ચંદ્રાબાબુ નાયડુ અને જેડી-યુના નીતીશ કુમારની હાજરીમાં આજે મળેલી એનડીએની બેઠકમાં સરકારની રચનાનો નિર્ણય લેવાયો હતો અને આગામી બેઠક સાતમીએ સવારે 11 વાગ્યે મળશે, જેમાં મોદીને એનડીએ જોડાણના નેતા તરીકે ઔપચારિક રીતે પસંદ કરવામાં આવશે.

અગાઉ મોદીએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું અને તેમની કેબિનેટની સલાહ મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 17મી લોકસભા વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રપતિએ મોદી અને કેબિનેટનું રાજીનામું સ્વીકારીને મોદીને નવી સરકારની રચના સુધી પીએમપદે જારી રહેવા જણાવ્યું હતું. બેઠકમાં નાયડુ અને નીતીશકુમાર ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, એલજેની (આર)ના નેતા ચિરાગ પાસવાન, જેડી (એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામી, જનસેવાના પવન કલ્યાણ, એલજીપીના અતુલ બોરા અને એનસીપીના પ્રફુલ્લ પટેલ સહિત 16 પક્ષના 21 નેતા સામેલ હતા. બેઠકમાં મોદી અને ભાજપના અમિત શાહ, રાજનાથ સિંહ અને જે.પી. નડ્ડાએ હાજરી આપી હતી. બેઠકમાં હાજર રહેલા જનતા દળ (યુનાઇટેડ)ના નેતા સંજય ઝાએ કહ્યું કે, મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકારની રચના સંબંધિત ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂરી થવાની અપેક્ષા છે. તમામ પક્ષોએ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એમ તેમણે ઉમેર્યું હતું. બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, એનડીએ સરકાર તેના વારસાનું જતન કરીને દેશના સર્વાંગી વિકાસ માટે અને લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા માટે કામ કરવાનું ચાલુ રાખશે. `અમને ગૌરવ છે કે, એનડીએએ 2024ની લોકસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકતાથી લડી અને જીતી. અમે બધા એનડીએ નેતાઓ સર્વસંમતિથી નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે ચૂંટયા’ તેમ ઉમેર્યું હતું. ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની જનહિતકારી નીતિઓને કારણે છેલ્લાં 10 વર્ષમાં લોકોએ દેશને દરેક ક્ષેત્રે વિકસિત થતો જોયો છે.
એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયું હતું અને મોદીને એનડીએના નેતા પદે સર્વાનુમતે પ્રસ્તાવ પારિત કરીને તાળીઓના ગડગડાટથી વધાવાયા હતા. આ સાથે જ રાષ્ટ્રપતિને મળી વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય પ્રધાન મંડળે રાજીનામું સોંપ્યું હતું. રાષ્ટ્રપતિએ તેમના રાજીનામાનો સ્વીકાર કરી વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાન મંડળને નવી સરકારની રચના થાય ત્યાં સુધી પદ પર રહેવાની વિનંતી કરી હોવાનું રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક દિવસ બાદ બુધવારે સવારે વડાપ્રધાનના નિવાસસ્થાને કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં 17મી લોકસભાને બરખાસ્ત કરવાની ભલામણ કરાઈ હતી. સવારે 11.30 વાગ્યે શરૂ થયેલી આ મિટિંગ બાદ પ્રધાનોની બેઠક યોજાઈ હતી. 17મી લોકસભાને બરખાસ્ત કરવાની ભલામણથી 18મી લોકસભાનો માર્ગ મોકળો થયો છે. વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16મી જૂને પૂર્ણ થાય છે. આ મિટિંગમાં લોકસભાના પરિણામોની સમીક્ષા કરવામાં આવી અને આગામી સરકારની રચના સંબંધિત મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 240 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી નહીં મળતાં ભાજપને સહયોગીઓની મદદથી સરકાર બનાવવી પડશે. લોકસભાની 543 બેઠકમાંથી એનડીએએ 293 બેઠક અંકે કરી છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે 99 બેઠક મેળવી છે અને `ઈન્ડિયા’ ગઠબંધને સાગમટે કુલ 233 બેઠક મેળવી છે. ભાજપે ગઠબંધનનો ધર્મ નિભાવી નવી મોદી સરકારમાં તમામ સહયોગી પક્ષોને રાજી રાખવા પડશે. સ્પષ્ટ બહુમતી નહીં મળી હોવાથી ભાજપે પોતાની સરકારને સ્થિર રાખવા માટે તમામ સહયોગી પક્ષોને ખુશ રાખવા ગઠબંધનના ધર્મનું પાલન કરવું પડશે. જો કે, ભાજપના બે મહત્ત્વના સહયોગી પક્ષો, તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ એન. ચંદ્રાબાબુ નાયડુ અને જેડી (યુ)ના પ્રમુખ નીતીશ કુમારે એનડીએની મિટિંગમાં ભાગ લીધો હતો અને વડાપ્રધાનનું સ્વાગત કરતાં ભાજપે રાહત અનુભવી છે.
અગાઉ એનડીએની મહત્ત્વની બેઠકમાં સામેલ થવા માટે આજે દિલ્હી આવેલા આંધ્રના ભાવિ મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, `હું એનડીએમાં છું અને મિટિંગમાં જવાનો છું.’ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પણ એનડીએની મિટિંગ માટે દિલ્હી આવી પહોંચ્યા હતા અને પત્રકારોને આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું કે, `સરકાર તો બનેગી હી’. ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળતાં એનડીએના બે સહયોગી, બિહારના મુખ્ય પ્રધાન અને જેડી (યુ)ના પ્રમુખ નીતીશ કુમાર અને ટીડીપીના એન. ચંદ્રાબાબુ નાયડુ કિંગમેકરની ભૂમિકામાં છે. નીતીશ કુમારની પાર્ટીને 12 બેઠક અને ટીડીપીને 16 બેઠક મળી છે. ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર-બંને સોદાબાજીની કળામાં કુશળ છે અને સાથીદાર પાર્ટીઓએ લોકસભાના અધ્યક્ષ પદથી લઇને કેબિનેટમાં મહત્ત્વના વિભાગોની માગણી રાખી હોવાની અટકળો વહેતી થઇ હતી. જો કે, એમના વાણી-વર્તનથી આવી કોઇ અટકળોને વેગ નહોતો મળ્યો અને એ સંબંધી કોઇ બયાનબાજી પણ બંને પાર્ટી તરફથી કરાઇ નહોતી. નાયડુ અને નીતીશ કુમાર બંને 2014માં એનડીએનો ભાગ હતા, ત્યારે તેમની પાર્ટીને એક કેબિનેટ પદ અને એક રાજ્યકક્ષાના પ્રધાનનું પદ આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી હતી. આ વખતે 16 બેઠક સાથે નાયડુ, સરકારમાં મોટો ભાગ માગી શકે છે. જગન મોહન રેડ્ડીની વાયએસઆરસીપીને રાજ્યમાંથી સત્તાબહાર કરવા માટે ભાજપ પવન કલ્યાણને નવાજે એવા પણ અહેવાલ છે. બીજીતરફ નીતીશ કુમાર સત્તાના રાજકારણમાં અઠંગ ખેલાડી છે અને તેઓ પાર્ટી બદલવા પણ જાણીતા છે. જો કે, આ વખતે એમની પાર્ટીના સાંસદો સ્થિરતા ઇચ્છે છે તેમજ આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, તેથી નીતીશ કુમાર ઉતાવળમાં કોઇ નિર્ણય લે એવું લાગતું નથી, પરંતુ એના બદલે સરકારમાં માનભર્યું સ્થાન મેળવીને બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો અપાવવા મહેનત કરી શકે છે, જેથી ભાજપ સાથે મળી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી સારો દેખાવ કરી શકે. આ વાતનો સંકેત જેડીયુના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ આપતાં કહ્યું હતું કે, અમને અપેક્ષા છે કે, નવી સરકાર બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપશે અને રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીની અમારી માગણી પર વિશેષ ધ્યાન આપશે, પરંતુ એનડીએને સાથ આપવાની આ કોઇ શરત નથી. અમારો એનડીએને સહયોગ બિનશરતી છે. જો કે, જ્યાં સુધી બિહારને સ્પેશિયલ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી બિહારમાં બેરોજગારીનો અંત આવે એવું નથી. આ રીતે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદે પણ બેઠકમાં હાજર હતા, જે મહારાષ્ટ્રમાં સાત બેઠક સાથે એનડીએના સહયોગીમાં ત્રીજા નંબરે છે. જો કે, એમની કોઇ માગણી સામે આવી નથી, પરંતુ ભાજપ સાથે મળીને તેઓ મહારાષ્ટ્રમાં સત્તા ચલાવે છે અને વર્ષાંતે મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, એટલે હાલમાં તેઓ કોઇ હિલચાલ કરે એવું લાગતું નથી. શિંદે ભાજપ સાથે રહીને મહારાષ્ટ્રમાં શિવસેનાનો વિસ્તાર કરવા આતુર છે. આ રીતે જ બિહારમાં રામવિલાસ પાસવાનની પાર્ટી લોજપાએ પણ એનડીએમાં પોતાના ભાગે આવેલી તમામ પાંચ બેઠક જીતી લીધી હોવાથી લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ નવી સરકારમાં મહત્ત્વના નેતા છે.

